બનાસ બાયો CNG પ્લાન્ટ : જાપાનની મારુતિ સુઝુકી કંપનીને પડયો રસ
- બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાથે મારુતિ સુઝુકી કંપનીના ડિરેક્ટર અને અધિકારીઓએ બેઠક
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વેસ્ટ માંથી વેલ્થ” મિશનને સાકાર કરતી બનાસ ડેરી: ચેરમેન શંકરભાઈ ચૌધરી
પાલનપુર : એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા પશુઓના છાણમાંથી દેશનો પ્રથમ બાયો સી.એન.જી. પ્લાન્ટ શરુ કરવાનો જે સફળ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, એમના આ નવતર પ્રયોગથી પ્રેરિત થઈને જાપાનની સુઝુકી કંપનીના ડિરેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓએ બનાસ ડેરીના બાયો CNG પ્લાન્ટની મુલાકાત કરી હતી અને ચેરમેન શંકરભાઈ ચૌધરી સાથે મીટીંગ યોજીને સવિસ્તાર ચર્ચા કરી હતી.
પાંચ મહિનામાં મારુતી સુઝીકી કંપનીના અધિકારીઓની આ બીજી મુલાકાત છે, જે દર્શાવે છે કે બનાસ ડેરી માત્ર ભારત જ નહિ પણ વિશ્વના અન્યો દેશોને પોતાના કામથી પ્રેરિત કરી રહી છે. પશુપાલક અને ખેડૂતોની આવક ડબલ કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવાના પ્રયાસરૂપે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના નેતૃત્વમાં આ સાહસ કરવામાં આવ્યું હતું.
છાણમાંથી પશુપાલકોને આવક આપવાના ઉમદા અભિગમ સાથે શરુ કરાયેલ બનાસ બાયો CNG પ્લાન્ટ અને એમાં વપરાયેલ ટેક્નોલોજીનો સવિસ્તાર અભ્યાસ કરીને જાપાનની સુઝુકી કંપનીએ બાયો CNG ને અનુરૂપ પોતાના વાહનો બનાવવા તેમજ એજ વાહનોને વાહન ચાલક પોતાના ઘરે તૈયાર કરાયેલ ગોબર ગેસમાંથી ગેસ ભરી શકે એવી વ્યવસ્થા ઉભી થઇ શકે તે માટેના રીસર્ચ અને ઇનોવેશનમાં બનાસ ડેરી સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી.
ગામડાઓમાં સ્વચ્છતા બની રહે તેમજ નવીનીકરણ સ્વચ્છ ઉર્જાની પ્રાપ્તિ થાય એ હેતુ સાથે શુદ્ધ બાયો ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે, જે વાહન ચલાવવા માટે ઈંધણના સ્વરૂપમાં કામ આવે છે. એને ઉત્પન્ન કરવાના સાથે જૈવિક ખાતર બનાવવા આ પ્લાન્ટનો ઉપયોગ થાય છે. એ જાણીને સુઝુકી કંપનીના પદાધિકારીઓએ બનાસ ડેરીની પ્રશંસા કરી હતી.
જાપાનની સુઝુકી કંપનીના કેનીચીરો ટોયોફૂંકું (ડિરેક્ટર CPP), કોજીમા સાન (SMG-Japan) યામાનો સાન (SMG-Japan), પરિક્ષેત મૌની (વાઇસ પ્રેસિડેંટ), સંજયભાઈ પઢીયાર (મેનેજર) અને અખિલેશ સિંહ (મેનેજર) એ મુલાકાત લીધી હતી.
ગોબર ગેસના 100 ટનની ક્ષમતાના પ્લાન્ટ ઉભા કરાશે
તાજેતરમાં જ બાયોગેસના આયોજનથી એક સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા માટે બનાસડેરી દ્વારા ખીમાણા, રતનપુરા-ભીલડી, રાધનપુર અને થાવર ખાતે ગોબર ગેસ સ્ટેશન ઉભા કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જેનું ઈ-ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથે કરવામાં આવ્યું હતું. આ ચાર સ્થાનો પર ૧૦૦ ટન ગોબરની પ્રતિદિવસની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ ઉભા કરવામાં આવશે.
આ પણ વાંચો : ડિજિટલ ટ્રાન્સફોર્મેશન : 1 ઓકટોબરનાં રોજ PM મોદી દેશને આપશે 5G ની ભેટ