ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આતંકી સંગઠન જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ પાંચ વર્ષ લંબાયો

Text To Speech

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: ભારત સરકારે દેશ વિરોધી જૂથ જમાત-એ-ઇસ્લામી, જમ્મુ-કાશ્મીર સંગઠન પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે. આ સંગઠનને 28 ફેબ્રુઆરી 2019ના રોજ દેશ વિરુદ્ધ કામ કરવાના આરોપમાં ગેરકાયદેસર જાહેર કરાયું હતું. આ સંગઠનની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો હતો. હવે 27 ફેબ્રુઆરીએ તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધના પાંચ વર્ષ પૂર્ણ થયા હતા. સરકારને જાણવા મળ્યું છે કે તેના કેટલાક સભ્યો હજુ પણ દેશની અખંડિતતા, સાર્વભૌમત્વ અને એકતા માટે ખતરો છે. આવી સ્થિતિમાં પ્રતિબંધને વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

અમિત શાહે X પર પોસ્ટ કરીને પ્રતિબંધ લંબાવવાની જાહેરાત કરી

આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે X પર પોસ્ટ કરતા કહ્યું કે, આતંકવાદ અને અલગતાવાદ સામે ભારત સરકારની ઝીરો ટોલરન્સ નીતિ ભાગરૂપે જમ્મુ-કાશ્મીર સંગઠન જમાત-એ-ઈસ્લામી પર પાંચ વર્ષનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે 27 ફેબ્રુઆરીએ એક સૂચના જારી કરીને આ પ્રતિબંધને વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. મંત્રાલયનું કહેવું છે કે કેન્દ્ર સરકારે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967ની કલમ 3 ની પેટા-કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, 28 ફેબ્રુઆરી 2019ના રોજ આ સંગઠનનને ગેરકાયદેસર જાહેર કરીને પાંચ વર્ષ માટે પ્રતિબંધ લાદ્યો હતો.

હિંસક દેખાવો અને અસુરક્ષાની લાગણીને લીધે ફરી પ્રતિબંધ

આ સંગઠન ભંડોળ એકત્રિત કરીને દેશમાં આતંકવાદી સંગઠનોની ગતિવિધિઓને પ્રોત્સાહન આપે છે. જેમાં ખીણમાં હિંસક દેખાવો, અશાંતિ ફેલાવવા, સાંપ્રદાયિક વાતાવરણને બગાડવા સહિત દેશમાં ભય અને અસુરક્ષાની લાગણી પેદા કરવાનો હેતુ છે. આ સંગઠન માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં પરંતુ, સમગ્ર દેશમાં ભય અને અસુરક્ષાની લાગણી પેદા કરે છે. આવી સ્થિતિમાં આગામી પાંચ વર્ષ માટે આ સંગઠનની તમામ ગતિવિધિઓ પર ફરીથી પ્રતિબંધ મૂકાયો છે.

આ પણ વાંચો: CAA લોકસભા ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં લાગુ થશે: અમિત શાહ

Back to top button