ગુજરાતટ્રેન્ડિંગ

રાજ્યમાં કોનોકાર્પસ-સપ્તપર્ણી ઉછેરવા પર વનવિભાગ દ્વારા પ્રતિબંધ

Text To Speech
  • કોનોકાર્પસના રોપા ઉછેરને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો
  • વનવિભાગે રાજ્યમાં કોનોકાર્પસના રોપા ઉછેર પર લગાવ્યો પ્રતિબંધ
  • કોનોકાર્પસના અનેક ગેરફાયદાઓ હોવાને લીધે લેવાયો નિર્ણય

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં વિદેશી પ્રજાતિ કોનોકાર્પસના રોપા ઉછેરને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વનવિભાગ દ્વારા રાજ્યમાં કોનોકાર્પસના રોપા ઉછેર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  વિદેશી પ્રજાતિ કોનોકાર્પસના અનેક ગેરફાયદાઓ હોવાને કારણે વનવિભાગ દ્વારા મંગળવારે (26 સપ્ટેમ્બરે) આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ છોડથી શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી વગેરે જેવા રોગો થવાની શક્યતાઓ રહેલી છે.

કોનોકાર્પસના ઉછેરથી અનેક નકારાત્મક અસરો

વન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાત રાજયમાં વિદેશી પ્રજાતિ કોનોકાર્પસના ઉછેરનો વ્યાપ વધી રહ્યો છે. સંશોધન અહેવાલો મુજબ, આ પ્રજાતિના પર્યાવરણ અને માનવજીવન ઉપર નકારાત્મક અસરો તથા ગેરફાયદાઓ ધ્યાને આવ્યા છે. જેના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે અને ખૂબ જ વિકાસ પામે છે. જેથી ઘણા સંદેશાવ્યવહાર કેબલ, ઘણી ડ્રેનેજ લાઇન અને તાજા પાણીની વ્યવસ્થાને નુકશાન પહોંચાડે છે. આ વૃક્ષમાં શિયાળાની ઋતુમાં ફૂલો આવે છે. જેના પરાગરજકો આજુબાજુના વિસ્તારમાં ફેલાય છે જેના કારણે નાગરીકોમાં શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી વગેરે રોગો થવાની શકયતા રહે છે તેવુ જાણવા મળ્યું છે.

વનવિભાગ દ્વારા કોનોકાર્પસના ઉછેર પર મુકાયો પ્રતિબંધ

કોનોકાર્પસના દ્વારા થતી અનેક નકારાત્મક અસરોને ધ્યાને લઈ વનવિભાગ દ્વારા ગુજરાત રાજયમાં આવેલા તમામ ખાતાકીય અને વન મહોત્સવ નર્સરીઓમાં કોનોકાર્પસના રોપા ઉછેર તેમજ કોઈ પણ વાવેતર વન વિસ્તાર તથા વન વિસ્તાર બહારના વિસ્તારમાં આ પ્રજાતિના રોપાનું વાવેતર કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં વન વિભાગ દ્વારા તમામ સંબંધિતોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોનોકાર્પસના વાવેતર અને તેના આડ અસરો બાબતે જાગૃતિ કાર્યક્રમો, કિસાન શિબિર, પ્રકૃતિ શિક્ષણ શિબિર મારફતે રાજયના આમ નાગરીકોને સમજણ આપવા પણ જણાવવામાં આવે.

 

આ પણ વાંચો:  ઈસરોએ ચંદ્ર, સૂર્ય પછી હવે શુક્રના ગ્રહ તરફ જવા તૈયારી શરૂ કરી

Back to top button