સુરતમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટોની આડમાં ચાલતા કપલ બોક્ષ પર પ્રતિબંધ


સુરત શહેરના ઘણા વિસ્તારમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વગેરેની આડમાં ચાલતા કપલ બોક્ષ પર પ્રતિબંધ મૂક્યો છે. એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવા કપલ બોક્ષ બનાવવામાં આવે છે. આ કપલ બોક્ષમાં અસામાજિક પ્રવૃતિઓ ચાલે છે. જેમાં અશ્લીલ કૃત્યો, નશીલા કેફી દ્રવ્યોનું સેવન થતું હોવાનું જણાતા આ પ્રકારની અનૈતિક અને અસામાજિક પ્રવૃતિઓને કારણે નાની વયના યુવક-યુવતીઓ ભોગ બનતા હોય છે. આ બદીને કારણે રેપ, અને બ્લેકમેઈલિંગના બનતા કિસ્સાઓને ધ્યાને લઈ તેના નિવારણ માટે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામુ બહાર પાડ્યું છે.

CCTV કેમેરા લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ
પોલીસ કમિશનરે શહેરી વિસ્તારમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો, વિગેરે જગ્યાઓએ એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી કપલ બોક્ષ એટલે કેબિન બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો, વિગેરે જેવી જગ્યાએ સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા અને આવી તમામ જગ્યાઓએ સ્પષ્ટ દેખાય તે રીતે CCTV કેમેરા લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ જાહેર કર્યો છે.
સુરત કમિશનરેટમાં ફરજ બજાવતા અનાર્મ ASI અને તેનાથી ઉપરના દરજજાના કોઈ પણ પોલીસ અધિકારીઓને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યાં છે. આ જાહેરનામુ તારીખઃ 17/03/2023થી શહેર વિસ્તારમાં અમલી રહેશે. જાહેરનામાંનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.