લમ્પી વાયરસને પગલે બનાસકાંઠામાં પશુઓની હેરફેર પર પ્રતિબંધ


પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસ 119 જેટલા ગામોમાં પ્રસર્યો છે. જેમાં 1383 જેટલા કેસ સામે આવ્યા છે. અને અત્યાર સુધીમાં 70 થી વધુ ગાયોના મોત નિપજી ચૂક્યા છે. જેની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા કલેકટર આનંદ પટેલે એક ગામથી બીજા ગામ પશુઓની હેરફેર ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જિલ્લામાં બુધવારે નવા 275 કેસ સામે આવ્યા હતા. અને વધુ 8 પશુઓ મોતને ભેટ્યા હતા. જેને લઈનેપશુપાલકો ચિંતામાં મુકાયા છે. જિલ્લા કલેકટરે બહાર પાડેલા જાહેરનામામાં પશુઓના વ્યાપાર, પશુમેળા કે તેનું પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.

જ્યારે રસ્તામાં કે જાહેર જગ્યામાં ચેપી રોગવાળા જાનવરો તથા રોગવાળા મરેલા જાનવરોના મૃતદેહને ખુલ્લા કે છૂટામાં છોડી દેવાની કે લાવવા લઈ જવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું આગામી તારીખ 10 ઓગસ્ટ’22 સુધી અમલમાં રહેશે. જ્યારે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. લમ્પી વાયરસ ની ગંભીરતાને પગલે અત્યારે સરકારના પશુપાલન વિભાગની 41 ટીમો અને બનાસ ડેરીના 200 વેટરનરી ડોક્ટરોની ટીમો રોગને નાથવા માટે ભારે જહેમત કરી રહી છે. આ સાથે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી પણ ગામડે ગામડે પશુપાલકો સાથે તાકીદની બેઠકો કરી લમ્પી વાયરસ અંગે જાગૃત કરી રહ્યા છે. તેમની સાથે બનાસ ડેરીના એમડી સંગ્રામસિંહ ચૌધરી પણ જોડાયા છે.