- 62 દિવસ સુધી ચાલશે યાત્રા
- યાત્રાનું રજીસ્ટ્રેશન 17 એપ્રિલથી થશે શરૂ
- ઓનલાઈન અને ઓફલાઈન કરી શકાશે રજીસ્ટ્રેશન
- કાલે જ અમિત શાહે બેઠક કરી સુરક્ષા સમીક્ષા કરી હતી
આ વર્ષે 1 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થશે. સરકારે શુક્રવારે શેડ્યૂલ જાહેર કર્યું. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે. યાત્રા માટે રજીસ્ટ્રેશન 17 એપ્રિલથી ઓફલાઈન અને ઓનલાઈન મોડ દ્વારા શરૂ થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે જ જમ્મુ-કાશ્મીરને લઈને સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. SASB ની 44મી બેઠક દરમિયાન, સભ્યો અને અધિકારીઓએ અમરનાથજી યાત્રા-2023 ના વિવિધ પાસાઓની સમીક્ષા કરી, જેમાં નોંધણી, હેલિકોપ્ટર સેવાઓની જોગવાઈ, સેવા પ્રદાતાઓ, શિબિરો, લંગર અને યાત્રીઓ માટે વીમા કવચનો સમાવેશ થાય છે.
ભક્તોને સારી રીતે દર્શન થાય તેનું ધ્યાન રખાશે
પવિત્ર યાત્રાધામ અને રજીસ્ટ્રેશન માટેની તારીખોની જાહેરાત કરતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર સરળ અને મુશ્કેલીમુક્ત તીર્થયાત્રાને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સાથે, તેમણે કહ્યું કે અમે તમામ મુલાકાતી ભક્તો અને સેવા પ્રદાતાઓને શ્રેષ્ઠ આરોગ્યસંભાળ અને અન્ય જરૂરી સુવિધાઓ પ્રદાન કરીશું. તીર્થયાત્રાની શરૂઆત પહેલા ટેલિકોમ સેવાઓ કાર્યરત કરવામાં આવશે. 62 દિવસ લાંબી અમરનાથ યાત્રા આ વર્ષે 1 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટ, 2023ના રોજ સમાપ્ત થશે. ઉપરાજ્યપાલે આ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે.
યાત્રા એક સાથે પહેલગામ અને બાલતાલથી શરૂ થશે
ઉલ્લેખનીય છે કે, આ યાત્રા એકસાથે પહેલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લાના બાલતાલથી શરૂ થશે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ વિશ્વભરના ભક્તો માટે સવાર અને સાંજની આરતીનું જીવંત પ્રસારણ કરશે. મુસાફરી, હવામાન અને ઘણી સેવાઓ ઓનલાઈન મેળવવા માટે શ્રી અમરનાથ જી યાત્રાની એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.