ટ્રેન્ડિંગનેશનલ

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ તપાસમાં સામેલ જુનિયર એન્જિનિયર આમિર ખાન ફરાર ? રેલવેએ કહી આ વાત

ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ટ્રેન અકસ્માતની તપાસ ચાલી રહી છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 292 થઈ ગઈ છે. આ સાથે અકસ્માતમાં ઘાયલ થયેલા સેંકડો લોકોની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન, કેસની તપાસમાં સામેલ રેલવે કર્મચારીઓના ફરાર થવાના અહેવાલો પર રેલવે વિભાગે નિવેદન આપ્યું છે.

સાઉથ ઈસ્ટર્ન રેલવેના સીપીઆરઓ આદિત્ય કુમાર ચૌધરીએ કહ્યું, “કેટલાક મીડિયા અહેવાલો આવી રહ્યા છે કે બહાનગા બજાર રેલવે સ્ટેશનના કર્મચારીઓ ભાગી ગયા છે અથવા ગુમ થયા છે. આ બાબતોમાં કોઈ સત્ય નથી. સ્પષ્ટતા કરવામાં આવે છે કે એ સમજી શકાય છે કે તપાસમાં સામેલ કોઈ પણ કર્મચારી ગુમ કે ફરાર નથી. CBIની ટીમ જ્યાં પણ તેમને બોલાવી રહી છે, તેઓ ત્યાં પહોંચી રહ્યા છે.” મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ જુનિયર એન્જિનિયર આમિર ખાન ગુમ છે. જોકે, રેલવેએ આ અહેવાલોને ફગાવી દીધા છે.

રેલવે મંત્રીએ બહાનાગાની મુલાકાત લીધી હતી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ મંગળવારે બહાનાગાની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, “હું આજે બહાનાગાના લોકોએ જે રીતે દુર્ઘટના સમયે એક થઈને સેવા કરી તે બદલ તેમનો આભાર માનવા આવ્યો છું.” તેમણે કહ્યું હતું કે, બહાનાગા હોસ્પિટલ માટે 1 કરોડ રૂપિયા અને બહાનાગા અને તેની આસપાસના ગામો માટે 1 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઘટનાની તપાસ ચાલી રહી છે.”

2 જૂને ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત

આ અકસ્માત ગત 2 જૂને ઓડિશાના બાલાસોરમાં બહાનાગા બજાર રેલવે સ્ટેશન પાસે થયો હતો. ત્રણ ટ્રેનો સાથે થયેલી આ દુર્ઘટનામાં 287 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને પાંચ અન્ય લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા જ્યારે 1,208 લોકો ઘાયલ થયા હતા.

કોરોમંડલ એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ

આ અકસ્માતમાં શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક માલગાડીનો સમાવેશ થાય છે. કોરોમંડલ એક્સપ્રેસ બહાનાગા બજાર સ્ટેશન પાસે માલગાડી સાથે અથડાઈ હતી, જેના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. કોરોમંડલના કેટલાક કોચ તે જ સમયે તેમાંથી પસાર થઈ રહેલી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ સાથે પણ અથડાઈ ગયા હતા.

પીએમ મોદીએ કહી હતી કડક કાર્યવાહીની વાત 

CBI આ ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દુર્ઘટના બાદ કહ્યું હતું કે, આ દુર્ઘટના ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે થઈ છે અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. આ દુર્ઘટના બાદ પીએમ મોદીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે, આ દુર્ઘટના માટે જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button