ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

બજરંગ પુનિયા, સાક્ષી, વિનેશ ફોગટે કુસ્તીને બરબાદ કરીઃ જુનિયર કુસ્તીબાજોનો આક્ષેપ

નવી દિલ્હી, 03 જાન્યુઆરી:  ભૂતપૂર્વ WFI ચીફ બ્રિજભૂષણ સિંહ સામે વિરોધ કરનારા કુસ્તીબાજો પર હવે જુનિયર રેસલર્સે હલ્લાબોલ કર્યો છે. જુનિયર કુસ્તીબાજોએ જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે અને તેમની આ હાલત માટે સીનિયર રેસલર્સ બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગટને જવાબદાર ઠેરવ્યા છે. સેંકડો જુનિયર કુસ્તીબાજો જંતર-મંતર પહોંચ્યા અને તેમની કારકિર્દીનું મહત્વપૂર્ણ એક વર્ષ ગુમાવવા માટે વિરોધ વ્યક્ત કર્યો. પ્રદર્શનકારીઓએ બેનરો પકડ્યા હતા જેના પર લખેલું હતું કે, ‘UWW, આ 3 પહેલવાનથી અમારી કુસ્તીને બચાવો, જેમણે દેશની કુસ્તી બર્બાદ કરી નાખી છે.’ આ રેસલર્સ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીના જુદા-જુદા ભાગોમાંથી બસમાં અહીં સુધી પહોંચ્યા હતા.

બજરંગ, સાક્ષી અને ફોગાટ સામે સૂત્રોચ્ચાર

જંતર-મંતર પહોંચેલા જુનિયર કુસ્તીબાજોમાંથી લગભગ 300 કુસ્તીબાજ બાગપતના છપરૌલીમાં આર્ય સમાજ અખાડામાંથી આવ્યા હતા, જ્યારે અન્ય ઘણા નરેલાની વીરેન્દ્ર કુસ્તી એકેડમીમાંથી આવ્યા હતા. વિરોધમાં જોડાવા માટે વિવિધ અખાડાઓમાંથી ઘણા લોકો અહીં આવ્યા હતા અને બજરંગ પુનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ, આ જુનિયર કુસ્તીબાજોને કાબૂમાં લેવા માટે પોલીસકર્મીઓને જહેમત ઉઠાવવી પડી હતી.

આગામી 6 સપ્તાહમાં ગ્વાલિયરમાં અંડર-15 અને 20 કેટેગરી માટે નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન

જુનિયર કુસ્તીબાજોના પ્રદર્શન વચ્ચે એડ-હોક કમિટીએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. સમિતિએ કહ્યું છે કે આગામી 6 સપ્તાહની અંદર લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, ગ્વાલિયરમાં અંડર-15 અને અંડર-20 કેટેગરી માટે નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

‘3 પહેલવાનોથી અમારી કુસ્તી બચાવો’

રાષ્ટ્રીય શિબિરો અને સ્પર્ધાઓ જાન્યુઆરી 2023થી હોલ્ડ પર છે કારણ કે WFIને બે વાર સસ્પેન્ડ કરાયું છે અને હાલમાં એક એડ-હોક પેનલ કાર્યરત છે. વિરોધીઓએ બુધવારે માંગ કરી હતી કે રમતો ચલાવવા માટે રમત મંત્રાલય દ્વારા નિયુક્ત કરાયેલ એડ-હોક પેનલને હટાવીને સસ્પેન્ડ કરાયેલા WFI ફરીથી ચાલુ કરવામાં આવે. વિરોધીઓએ બેનરો પકડ્યા હતા જેના પર લખેલું હતું કે, ‘UWW, આ 3 પહેલવાનોથી અમારી કુસ્તીને બચાવો, જેમણે દેશની કુસ્તીને બર્બાદ કરી નાખી છે.’

વરિષ્ઠ કુસ્તીબાજો અહીં એક વર્ષ પહેલા ધરણા પર બેઠા હતા

નોંધનીય છે કે લગભગ એક વર્ષ પહેલા આ જ જંતર-મંતર પર ત્રણ વરિષ્ઠ રેસલર બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગટ WFIના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ ધરણા પર બેઠા હતા. તેમણે બ્રિજભૂષણ સિંહ પર મહિલા રેસલર્સના યૌન શોષણ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ સમય દરમિયાન ત્રણેય કુસ્તીબાજો તેમના હેતુ માટે ભારે સમર્થન મેળવવામાં સફળ રહ્યા હતા. ખેડૂતોના સંગઠનો, સામાજિક કાર્યકરો, રાજકારણીઓ, મહિલા સંગઠનો અને કુસ્તી મંડળના સભ્યો સહિત ઘણા લોકો તેમના સમર્થનમાં આવ્યા હતા.

આ પણ વાંચો: કુસ્તી સંઘના નવા ચૂંટાયેલા અધ્યક્ષ સહિત સમગ્ર નવું કુસ્તી સંઘ સરકાર દ્વારા સસ્પેન્ડ

Back to top button