નવી દિલ્હી, 22 ડિસેમ્બર : કુસ્તીબાજ બજરંગ પુનિયાએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ તરીકે બ્રિજ ભૂષણ સિંહના નજીકના સંજય સિંહની ચૂંટણીના વિરોધમાં તેમનું પદ્મશ્રી પરત કર્યું છે. તેમણે શુક્રવારે વડાપ્રધાન આવાસની સામે ફૂટપાથ પર પોતાનો મેડલ રાખ્યો હતો.
શું હતી આખી ઘટના ?
મળતી માહિતી મુજબ, સંજય સિંહના પ્રમુખ બન્યા બાદ બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત ઘણા રેસલર નારાજ છે. આ કુસ્તીબાજો લાંબા સમયથી બ્રિજ ભૂષણનો વિરોધ કરી રહ્યા છે. આ તમામની માંગ હતી કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદ પર મહિલા હોવી જોઈએ. આ પહેલા બજરંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. પૂનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. પુનિયાએ આ પત્ર X પર પણ શેર કર્યો છે. બજરંગ પુનિયાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. આ માત્ર કહેવા માટે મારો પત્ર છે. આ મારું નિવેદન છે.
વર્ષ 2019માં પદ્મશ્રી મળ્યો હતો
29 વર્ષીય બજરંગ પુનિયાને વર્ષ 2019માં પદ્મશ્રી મળ્યો હતો. પૂનિયાએ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બજરંગે 2019 માં કઝાકિસ્તાનના નૂર સુલ્તાનમાં આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પહોંચીને પ્રથમ વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. બજરંગે તે ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં આ તેનો ત્રીજો મેડલ હતો. જો કે બજરંગને ટોક્યો ઓલિમ્પિક 2020માં સુવર્ણ ચંદ્રક જીતવાની અપેક્ષા હતી, પરંતુ તેને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો.