ઉત્તર ગુજરાત

ડીસામાં કરોડો રૂપિયાની જમીનના ખોટા દસ્તાવેજ બનાવનારના જામીન ના મંજૂર

Text To Speech

પાલનપુર: બનાસકાંઠાના ડીસામાં એક વર્ષ અગાઉ શહેરમાં વચ્ચોવચ આવેલી કરોડો રૂપિયાની જમીનના ખોટા દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ બનાવી બારોબાર વેચી મારવાના કૌભાંડમાં મુખ્ય આરોપી ની રેગ્યુલર જામીન અરજી ડીસા ની નામદાર કોર્ટે નામંજૂર કરી છે. આ કેસમાં હજુ સુધી બે આરોપીઓ પકડાયા છે જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે.

આરોપીની રેગ્યુલર જામીન અરજી ડીસા એડી. સેશન્સ કોર્ટે નામંજૂર કરી

ડીસા શહેરમાં વચ્ચોવચ આવેલ ડોક્ટર હાઉસ અને ગોલ્ડન પાર્કમાં 500 થી પણ વધુ લોકો માલિકી સાથે વસવાટ કરે છે. એક વર્ષ અગાઉ કેટલાક ભેજાબાજ કૌભાંડીઓએ આ જમીન બારોબાર વેચી મારવાનું કૌભાંડ આચર્યું હતું. ખોટા દસ્તાવેજ, ખોટા ડોક્યુમેન્ટ તેમજ રેકોર્ડ ઉભા કરી આ જમીન બારોબાર વેચી મારી કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ ડીસા દક્ષિણ પોલીસ મથકે નોંધાઇ હતી. જેમાં પોલીસે અત્યાર સુધી માત્ર બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓ હજુ પણ ફરાર છે. પકડાયેલા આરોપીઓમાંથી પાટણના સરસ્વતી તાલુકાના કલાણા ગામના મનુભાઈ દેસાઈએ તેમની રેગ્યુલર જામીન માટેની અરજી ડીસાની એડિશનલ સેશન્સ કોર્ટમાં મૂકી હતી. જેમાં અરજદાર તરફથી એડવોકેટ પી. એલ. શર્મા, સરકાર તરફે એ. જી. પી. એસ. કે.જોશી અને ફરિયાદી તરફે ભાવિન ડી. કાપડિયાની રજૂઆત ને ધ્યાને લઈ નામદાર કોર્ટે ઓર્ડર માં જણાવ્યું હતું કે, આ કેસના કાગળો અને રેકોર્ડ ઉપરની હકીકતોને ધ્યાને લેતા આરોપીઓ સામે પ્રથમ દર્શનીય કેસ તથા વેલ ફાઉન્ડેડ મટીરીયલ દ્રષ્ટિગોચર થાય છે. ગુનાની ગંભીરતા તથા મોડેસ ઓપરેન્ડી જોતા હાલની અરજી ન્યાયોચીત જણાતી નથી, તેમ કહી આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

આ પણ વાંચો: IT ક્ષેત્રે ગુજરાતનો વિકાસ વધારવાની દિશામાં વધુ એક પગલું, IBMની સોફટવેર લેબ્સનો ગિફટ સિટીમાં પ્રારંભ

Back to top button