18મી સદીમાં બંધાયેલા બહુચર માના મંદિરની થશે કાયાપલટ; ₹70 કરોડનો આવશે ખર્ચ
મહેસાણા: આગામી ટૂંક જ સમયમાં બહુચર માતાજીના મંદિરની કાયાપલટ થવા જઇ રહી છે. શ્રદ્ધાળુઓની લાગણી ધ્યાને રાખીને સરકારે બહુચર માતાજીના ભવ્ય નિર્માણ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ભક્તોને દર્શન કરવામાં અગવડતા ન પડે તે માટે અંબાજી, સોમનાથ, દ્વારાકા, પાવાગઢના મંદિરના વિકાસની જેમ જ બહુચરાજી મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે.
આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને બંસીપહાડપુર પથ્થરમાંથી મંદિરના નિર્માણના નિર્દેશ આપ્યા છે. મંદિરના હયાત જમીનના ડેટાની માહિતી મેળવવા તથા ડિઝાઈન તૈયાર કરાવવા માટે કન્સલ્ટન્ટ દ્વારા જરૂરી જમીનની વજન સહન કરવાની ક્ષમતા (SBC) અંગેના ટેસ્ટીંગ રિપોર્ટના આધારે પાયામાંથી શિખર સુધી 86’1ની ઉંચાઈ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બંસીપહાડપુર સ્ટોનથી થશે મંદિરનું નિર્માણ
આ ઉપરાંત ઋષિકેશ પટેલે મંદિરના ખર્ચ અંગે વાત કરતાં જણાવ્યું હતુ કે, મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસની કામગીરી હાથ ધરવા માટે સરકાર દ્વારા 70 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ મંદિર હયાત સ્થળની પરિસ્થિતિને ધ્યાને રાખીને વરખડીવાળા સ્થાનને યથા યોગ્ય રાખી તથા વલ્લભભટ્ટના મંદિરમાં કોઈપણ જાતનો ફેરફાર કર્યા વગર બંસીપહાડપુર સ્ટોનમાં મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, હાલનું બહુચરાજી મંદિર 18મી સદીમાં માનાજીરાવ ગાયકવાડના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતુ જેમાં રેતીના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બહુચરાજી માતાનું મૂખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે આવેલું છે. આ મંદિરનું બાંધકામ સંવત 1835થી શરૂ કરવામાં આવ્યું હતું અને સંવત 1839માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. 15 મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે.
આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજા આવેલ છે. આ મંદિરમાં ઉત્તમ કારીગીરી કરેલ છે. આ આખુયે મંદિર પથ્થરથી બનેલ છે અને તેની આગળ વિશાળ મંડપ છે જેને ચાચરનો ચોક કહેવાય છે. મંદિરની પાસે એક અગ્નિ કુંડ પણ આવેલ છે. મંદિરના ઘુમ્મટમાં અને થાંભલાઓમાં રંગીન પૂતળીયો છે.
હજારોની સંખ્યામાં પ્રતિદિવસ આવે છે દર્શનાર્થી
ગુજરાતભરમાંથી ભક્તો અહીંયા આવીને પોતાના પુત્રનાં સૌ પ્રથમ વખતના વાળ (બાબરી) ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે. તેમણે માંગેલી માનતાને તેઓ અહીં પુર્ણ કરે છે. ઘણાં લોકોના બાળકોને કોઈ ખામી હોય જેમકે બહેરાશ હોય, તોતડું બોલતા હોય વગેરે તે પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય તે માટે માતાજીની માનતા માને છે અને તે માનતા પુર્ણ થયા બાદ તે અહીંયા ચાંદીમાં બનાવેલ શરીરનું તે અંગ માતાજીને ચઢાવે છે.
અહીંયા દરેક પુર્ણિમાના દિવસે મેળો ભરાય છે. દરેક પૂર્ણિમાએ રાત્રે 9.30 કલાકે માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે. તથા વર્ષની ચૈત્રી પુનમ તથા આસો પુનમ-શરદ પુનમ ના દિવસે રાત્રે પાલખી બહુચરાજી થી નિજ મંદિરેથી નીકળીને બહુચરાજીથી આશરે 3 કિ.મી. દૂર આવેલ શંખલપુર ગામે જાય છે જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. જ્યાં માતાજીની પાલખીને આખા શંખલપુર ગામમાં ફરાવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજી નિજ મંદિર બહુચરાજીમાં પરત આવે છે. માતાજીની પાલખી જોવા અનેક શ્રદ્ધાળુઓ આવે છે.
આ પણ વાંચો-અમદાવાદ – ગાંધીનગરમાં U20 સમિટ : વિદેશી મહેમાનોનું ધામધૂમથી સ્વાગત