બીજેપી નેતા તજિન્દર સિંહ બગ્ગાને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે બગ્ગાની ધરપકડ પર 10 મે એટલે કે મંગળવાર સુધી રોક લગાવી છે. જસ્ટિસ અનૂપ ચિટકારાએ મોડી રાત્રે બગ્ગાની અરજી પર તેમના ઘરે સુનાવણી કરતા આ નિર્ણય આપ્યો હતો.
મોહાલી કોર્ટે શનિવારે સાંજે જ બગ્ગા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. આ મામલે 23 મેના રોજ સુનાવણી થવાની છે. જો કે, તે પહેલા જ બગ્ગા ધરપકડ વોરંટ સામે પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં પહોંચ્યા હતા.
આ ધરપકડ વોરંટ રસપ્રદ છે કારણ કે શુક્રવારે આ કારણે પંજાબ પોલીસનો દિલ્હી અને હરિયાણા પોલીસના હાથે ઘણો ફજેતો થયો હતો. બગ્ગાને પંજાબ લઈ જતા પોલીસને પહેલા હરિયાણા પોલીસે અટકાવી અને તેમના અધિકારીઓને પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા. આ પછી, હરિયાણા પોલીસે બગ્ગાને પંજાબ પોલીસની કસ્ટડીમાંથી મુક્ત કર્યા અને બગ્ગાને દિલ્હી પોલીસને સોંપી દીધા. બગ્ગા હાલ દિલ્હીમાં છે.
રાષ્ટ્રીય લઘુમતી આયોગે પંજાબના મુખ્ય સચિવને નોટિસ મોકલી
બગ્ગાની ધરપકડના મામલામાં રાષ્ટ્રીય લઘુમતી આયોગ પણ સક્રિય થઈ ગયું છે. પંચે પંજાબના મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારીને નોટિસ પાઠવી છે. જેમાં તેમની પાસેથી 7 દિવસમાં જવાબ મંગાવવામાં આવ્યો છે. આયોગે બગ્ગાને ધરપકડ દરમિયાન પાઘડી ન પહેરવા દેવાના મામલાની નોંધ લીધી છે. પંચનું કહેવું છે કે આ કેસમાં શીખ વ્યક્તિના ધાર્મિક અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. મુખ્ય સચિવને જવાબ આપવા માટે 14 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે.
બગ્ગાએ કહ્યું- 100 FIR કરો, હું ડરતો નથી
દિલ્હી ભાજપના નેતા તજિન્દર બગ્ગાના મામલામાં હંગામો ચાલુ છે. ઘરે પરત ફર્યા બાદ બગ્ગાએ અરવિંદ કેજરીવાલને પડકાર ફેંક્યો છે. બગ્ગાએ કહ્યું કે તેમની સામે 1 નહીં પરંતુ 100 FIR દાખલ થવી જોઈએ, તો પણ તેઓ ડરતા નથી. તેઓ કાયદાકીય લડાઈ લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
કેજરીવાલના ઘરની બહાર બીજેપી કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું
અહીં બીજેપી નેતા બગ્ગા વિરોધ કરવા કેજરીવાલના ઘરે પહોંચ્યા છે. ભાજપના સેંકડો કાર્યકરો પણ તેમની સાથે છે. પોલીસે પૂર્વ ધારાસભ્ય મજિન્દર સિંહ સિરસા સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી છે. તે જ સમયે, બગ્ગાની ધરપકડ પછી, પંજાબ પોલીસે અટકાયતના મામલામાં દિલ્હી અને હરિયાણા હાઈકોર્ટમાં સુનાવણી ટાળી દીધી છે. હવે મંગળવારે સુનાવણી હાથ ધરાશે.