ગુજરાતટોપ ન્યૂઝ

બાગેશ્વર બાબાનો ગુજરાતમાં દિવ્ય દરબાર લાગતા મતમતાંતર

  • જનતાનું ધ્યાન ભટકાવવાના કાર્યક્રમો શરૂ કર્યા – કોંગ્રેસ
  • મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ બાગેશ્વર ધામમાં જાય છે
  • કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્યે બાગેશ્વર ધામમાં પત્ર લખ્યો

દિવ્ય દરબારમાં ગુજરાતના નાગરિકો ઉપર કૃપા કરે તેવી માગ કરવામાં આવી છે. તેમજ બાબાની દિવ્ય શક્તિથી કપાસના ભાવ 1500માંથી 2400 રૂપિયા ક્યારે થશે. તથા લોકસભા ચૂંટણી પહેલાં બાબાની એન્ટ્રીથી મતમતાંતર છે. બાબા, પ્રશ્નનું સમાધાન કરો, અદાણીની શેલ કંપનીમાં 20 હજાર કરોડ કોના? જેવા વિવિધ પ્રશ્નો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.

કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્યે બાગેશ્વર ધામમાં પત્ર લખ્યો

લોકસભાની ચૂંટણી પહેલાં ફરી એક વાર ‘બાબા’ઓના દિવ્ય દરબારના આયોજન થઈ રહ્યા છે, આ મુદ્દે ગુજરાત કોંગ્રેસે દાવો કર્યો છે કે, ભાજપ ચૂંટણી જીતવા માટેની રણનીતિના ભાગરૂપે વધુ એક વખત બાબાને આગળ કરીને જનતાનું ધ્યાન ભટકાવવાના કાર્યક્રમો શરૂ કર્યા છે, બીજી તરફ આ બાબતથી વિરુદ્ધ કોંગ્રેસના એક પ્રવકતાએ બાબાના વખાણ કરતાં કહ્યું કે, આમાં મારી અંગત આસ્થા છે, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ બાગેશ્વર ધામમાં જાય છે. ગુજરાત કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્યે બાગેશ્વર ધામમાં પત્ર લખ્યો છે, જેમાં બાબાની દિવ્ય શક્તિથી ગુજરાતના ખેડૂતોને કપાસના ભાવ રૂ.1500માંથી 2400 રૂપિયા ક્યારે થશે તેની જાણકારી પ્રજાને આપવા વિનંતી કરાઈ છે.

બાબાને લઈ ગુજરાત કોંગ્રેસમાં અલગ અલગ સૂર છે

બાબાને લઈ ગુજરાત કોંગ્રેસમાં અલગ અલગ સૂર છે, અન્ય એક પ્રવકતાએ ટ્વિટ કર્યું હતું કે, બાબા બાગેશ્વર, અમારા પ્રશ્નનું પણ સમાધાન કરો, અદાણીની શેલ કંપનીમાં 20 હજાર કરોડ કોના છે બાબા? આ સાથે જ ટ્વિટમાં લખાયું છે કે, બાબા બાગેશ્વર 2014 અને 2019 પછી 2024 લોકસભા માટે બાબા રામદેવ અને જાંસારામના ભાઈ આસારામના અપડેટ વર્જન છે.

બાબાની સભાના આયોજકમાં સુરત ખાતે ભાજપના ધારાસભ્ય

ગુજરાત કોંગ્રેસે બાબાને પૂછયું છે કે, 2014માં રૂ.414નો ગેસનો બાટલો મળતો હતો, જે અત્યારે 1200 આસપાસ થયો છે, તો બાબાઓ કેમ મૌન છે? બાબા રામદેવે પેટ્રોલ ડીઝલ 40 રૂપિયામાં જનતાને મળશે તેવા ઈન્ટરવ્યુ આપીને જનતાને વિશ્વાસ અપાવ્યો હતો, પણ અત્યારે 90-100 રૂપિયાના ભાવે દેશની જનતા લૂંટાઈ રહી છે ત્યારે બાબા રામદેવ કેમ મૌન છે? ગુજરાત કોંગ્રેસે કહ્યું કે, બાબાની સભાના આયોજકમાં સુરત ખાતે ભાજપના ધારાસભ્ય છે. બાબા દિવ્ય દરબારમાં ગુજરાતના નાગરિકો ઉપર કૃપા કરે તેવી માગ કરવામાં આવી છે.

Back to top button