દેશભરમાં સૌથી ચર્ચિત એવા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજથી ગુજરાત આવી રહ્યા છે. રાજ્યના વિવિધ શહેરોમા બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામા આવ્યું છે. ત્યારે તેમના આ કાર્યક્રમને લઈને આયોજકો અને ભક્તોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ભક્તો દૂર દૂરથી તેમના દરબારમાં સામેલ થવા માટે આવી રહ્યા છે.
આજથી બાગેશ્વર બાબા ગુજરાતમાં
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ બાબા આજે સવારે ચાર્ટડ પ્લેન મારફતે સવારે 11 વાગ્યે અમદાવાદ એયરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટથી બાબા સીધા જ વટવા ખાતે ઠાકુર દેવકીનંદનની મુલાકાતે જશે. જ્યાં બાબા દેવકીનંદન સાથે ભોજન લીધા બાદ સાંજે વટવાના શ્રીરામ મેદાનમાં ચાલતી શિવ મહાપુરાણ કથામાં હાજરી આપશે. જ્યાં ત્રણ કલાક રોકાણ કર્યા બાદ સાંજે 6 વાગ્યે બાબા ચુસ્ત સુરક્ષા ખાતે સુરત જવા રવાના થશે.મહત્વનું છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.
આવતી કાલે સુરતમા યોજાશે દરબાર
આવતીકાલથી બે દિવસ સુરતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. બાગેશ્વર બાબાના આ કાર્યક્રમમાં સુરત તથા આસપાસના જિલ્લા અને રાજ્યમાંથી અઢી લાખથી વધુ લોકો હાજર રહે તેવી શક્યતાઓ છે. જ્યારે 26 અને 27 મેના રોજ સુરતના લિંબાયતમાં દિવ્ય દરબાર યોજાશે
જાણો બાગેશ્વર બાબાનો સમગ્ર કાર્યક્રમ
28 મેના ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે. ઝુંડાલમાં યોજાનારા બાબાના આ કાર્યક્રમમાં ગુજરાત ભરના સાધુ સંતો ઉપસ્થિત રહેશે. જ્યારે 29 અને 30 મેના રોજ અમદાવાદમાં બાબાનો દરબાર યોજાશે. અમદાવાદના ચાણક્યપુરી ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર યોજાવાનો છે. અહીં પણ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટશે તેવી શક્યતાઓ છે. તો અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કરી બાબા સીધા જ રાજકોટ પહોંચશે. અને 1 અને 2 જૂન રાજકોટના રેસકોર્સ મેદાન પર બાબાનો દિવ્ય દરબાર યોજાશે. જ્યારે 3 જૂને વડોદરામાં નવલખી મેદાનમાં પણ બાબાનો દિવ્ય દરબાર યોજાશે. આમ આજથી 3 જૂન સુધી તેઓ ગુજરાતના જુદા જુદા શહેરોમાં ફરીને દિવ્ય દરબાર યોજશે.
આ પણ વાંચો : રાજ્યમાં આજે આ વિસ્તારોમા વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી