ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બગદાણા હુમલા કેસમાં મોટો વળાંક: કોળી સમાજના દબાણ બાદ SITની રચના, 5 ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ તપાસ કરશે

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ બગદાણા (બજરંગદાસ બાપાનું મંદિર)ના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર 29 ડિસેમ્બર 2025ની મોડી રાત્રે મોણપર ગામ નજીક જીવલેણ હુમલો થયો હતો. આઠ શખ્સોએ ધોકા, પાઈપ અને લાકડીઓ વડે હુમલો કરીને નવનીતને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઘટનાએ કોળી સમાજમાં ભારે રોષ ફેલાવ્યો અને સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?

વિવાદનું મૂળ મુંબઈમાં 24 ડિસેમ્બર 2025ના એક કાર્યક્રમમાં લોકપ્રિય લોકકલાકાર માયાભાઈ આહીરના નિવેદનમાં છે. માયાભાઈએ યોગેશ સાગરને બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ઉલ્લેખ કર્યો હતો, જે ખોટું હતું. નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને આ ભૂલ સુધારી, જે બાદ માયાભાઈએ માફી માંગતો વીડિયો જાહેર કર્યો.

પીડિત નવનીતનો આરોપ છે કે આ વાતની દાઝ રાખીને માયાભાઈના પુત્ર જયરાજ આહીરે હુમલો કરાવ્યો. જયરાજનો ફોન આવ્યા બાદ જ હુમલો થયો હોવાનો દાવો છે. વધુમાં, કેટલાક આરોપીઓ સાથે જયરાજનો જૂનો વીડિયો વાયરલ થયો છે, જેનાથી આરોપોને વેગ મળ્યો. જોકે, પીડિતના આરોપો છતાં PI અને DYSPએ પ્રાથમિક તપાસમાં જ જયરાજને ક્લીનચિટ આપી દીધી, જેના કારણે કોળી સમાજમાં પોલીસ વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો છે. સમાજે પોલીસ અધિકારીઓની બેદરકારી માટે સસ્પેન્શનની માંગ કરી છે.

પોલીસ કાર્યવાહી

બગદાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આઠ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય સૂત્રધાર નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતું ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર અને વીરુ સેરડાનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરીને રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યુ અને ફરિયાદમાં BNS કલમ 109 (હત્યાનો પ્રયાસ) ઉમેરાઈ.

કોળી સમાજમાં રોષ

સાવરકુંડલા સહિત અમરેલી અને ભાવનગરમાં હજારો કોળી સમાજના લોકો રસ્તા પર ઉતર્યા. નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને કડક કાર્યવાહી, નિષ્પક્ષ તપાસ અને બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ કરી. સમાજના અગ્રણીઓએ ચીમકી આપી છે કે જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

SITની રચના

5 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગરમાં પરસોત્તમ સોલંકીના નિવાસે કોળી સમાજની મોટી બેઠક યોજાઈ. કુંવરજી બાવળિયા, નિમુબેન બાંભણિયા, હીરા સોલંકી સહિત 3 સાંસદ અને 15થી વધુ ધારાસભ્યો હાજર રહ્યા. બેઠક બાદ પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીને મળીને નિષ્પક્ષ તપાસની માગ કરી.

મુખ્યમંત્રીએ તાત્કાલિક પગલાં લેતા 5 ઉચ્ચ પોલીસ અધિકારીઓની SITની રચના કરવાનો આદેશ આપ્યો. આ ટીમ હવે સમગ્ર કેસની ઊંડી અને નિષ્પક્ષ તપાસ કરશે. આ કેસ કોળી સમાજની એકતા અને ન્યાય માટેના સંઘર્ષનું પ્રતીક બન્યો છે. SITની તપાસથી હુમલાના વાસ્તવિક કારણો અને સંડોવાણીઓનું સત્ય બહાર આવે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો: અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટની કામગીરી સ્થગિત

Back to top button