આરોગ્ય માટે ખતરનાક બીડી પણ હવે ડુપ્લિકેટ બનવા લાગી? જાણો ગુજરાતમાં ક્યાં પકડાયું આ નકલી જોખમ?
રાજકોટ, 9 જાન્યુઆરી : હાલમાં ગુજરાતમાં બધી જ વસ્તુઓમાં નકલીની બોલબાલા છે. અધિકારી હોય કે કચેરી, ખાદ્ય પદાર્થ હોય કે પીવાની વસ્તુઓ. તમામમાં ભેળસેળ જોવા મળી રહી છે ત્યારે હવે રાજકોટમાંથી આરોગ્ય માટે ખતરનાક એવી બીડી પણ ડુપ્લિકેટ બનતી મળી આવી છે.
રાજકોટ શહેર એસઓજી પોલીસે બજરંગવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો અને નકલી મોતનો સામાનનો રૂ.1 લાખનો જથ્થો કબજે કર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ, રાજકોટ એસઓજી પીઆઈ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે બજરંગવાડી વિસ્તારમાં રેડ કરી હતી. જેમાં એક મકાનમાંથી ડુપ્લિકેટ બીડી બનાવવાનો પર્દાફાશ થયો હતો.
એસઓજી સ્ટાફ પાસેથી મળતી વિગતો અનુસાર, આ દરોડા દરમિયાન મકાનમાંથી નકલી બીડીના 230 બંડલ રૂ.92 હજાર તથા રૂ.8300નો બીડીના છૂટક બંડલ તેમજ રૂ.5400ની છૂટી બીડી અને આ બીડી પેક કરવાના કાગળ તેમજ સ્ટીકર મળી રૂ.1 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :- રાજકોટમાંથી પનીર બનાવતી મીની ફેક્ટરી મળી આવી, 800 કિલો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, જૂઓ વીડિયો