ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બદલે બદલે સે નજર આતે હૈ સરકાર, આખીર માજરા ક્યા હૈ?

  • JNU કાંડને કારણે વિવાદોમાં રહેલી શેહલા રાશિદ પોતાની બદલાયેલી વિચારધારાને લીધે ફરી ચર્ચામાં
  • PM મોદી-અમિત શાહના વખાણ કરી કાશ્મીરમાં થયેલા ફેરફારોને ગણાવ્યા સકારાત્મક
  • પહેલા ઘણા પ્રસંગોએ શેહલા રાશિદ કેન્દ્ર સરકારની ટીકા કરતી હતી

નવી દિલ્હી : JNU કાંડને કારણે વિવાદમાં આવેલી શેહલા રાશિદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જેની પાછળનું કારણ તેની પોતાની વિચારધારા રહેલી છે, તેણી JNUમાં પણ પોતાની વિચારધારાને લીધે પ્રસિધ્ધ થઈ હતી. પરંતુ હવે તેમાં થોડા સમય માટે થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલ તે માત્ર વડાપ્રધાન મોદી અને અમિત શાહના વખાણ કરી રહી છે એટલું જ નહીં પરંતુ કાશ્મીરમાં થયેલા ફેરફારોને સકારાત્મક પણ ગણાવી રહી છે. જ્યારે અગાઉ તે ઘણા પ્રસંગોએ કેન્દ્ર સરકારની ટીકા કરતી જોવા મળતી હતી, પરંતુ હવે અચાનક તેનો સ્વર બદલાવા લાગ્યો છે. જેની પાછળનું કારણ શું એ હવે જોવાનું રહ્યું ?

શેહલા રાશિદે પીએમ મોદી અને કાશ્મીરની સ્થિતિ વિશે શું જણાવ્યું ?

એક પત્રકાર સાથે વાત કરતી વખતે કાશ્મીરની સ્થિતિ પર પોતાનો અભિપ્રાય આપતા શેહલાએ કહ્યું કે, “કાશ્મીરએ ગાઝા નથી. કાશ્મીરમાં બદલાવનો શ્રેય હું પીએમ મોદીને આપવા માંગુ છું, જેમણે લોહી રેડાયા વિનાના રાજકીય પરિવર્તનની પરિસ્થિતિ ઊભી કરી છે.”

 

વાતચીત દરમિયાન શિક્ષણવિદ અને JNUમાં વિદ્યાર્થી સંઘની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રાશિદને પથ્થરબાજો વિશે પૂછવામાં આવ્યું કે “પહેલાના સમયમાં તમારી સહાનુભૂતિ પથ્થરબાજો સાથે હતી?” જેનો જવાબ આપતા શેહલા રાશિદે કહ્યું કે, “હા, 2010માં આવું હતું, પરંતુ આજે જ્યારે હું બદલાયેલી પરિસ્થિતિ જોઉં છું, ત્યારે હું આજની પરિસ્થિતિ માટે ખૂબ જ આભારી છું. કાશ્મીર એ ગાઝા નથી, આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. કારણ કે કાશ્મીર માત્ર વિરોધ પ્રદર્શનોમાં સામેલ હતું અને તમે આતંકવાદ, ઘૂસણખોરીના છૂટાછવાયા બનાવો વિશે જાણો છો. બદલાયેલી પરિસ્થિતિ માટે હું વર્તમાન સરકારને અને તેમાં પણ ખાસ કરીને વડાપ્રધાનને શ્રેય આપવા માંગુ છું. આ સાથે ગૃહ પ્રધાન અમિત શાહ પણ છે, જેમણે આ માટે રાજકીય પરિસ્થિતિ સુનિશ્ચિત કરી છે જેને લોહી રેડાયા વિનાની પરિસ્થિતિ કહેવી ખોટી નથી.”

 

કોણ છે શેહલા રાશિદ?

શેહલા રાશિદ જેએનયુની વિદ્યાર્થીની રહી ચૂકેલી છે. જેણે JNUમાંથી જ સમાજશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ માસ્ટર્સ કર્યું છે. શેહલા રાશિદ ત્યારે ચર્ચામાં આવી જ્યારે 2016માં JNUમાં કેટલાક વિદ્યાર્થીઓએ ‘ભારત તેરે ટુકડે હોંગે’ ના નારા લગાવ્યા હતા. આ નારાથી ટુકડે ટુકડે ગેંગ ઉભરી આવી અને તેનો રાજકીય ઉપયોગ થવા લાગ્યો. વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચારનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન શેહલા રાશિદે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઝંડો ઊંચકીને શેહલા ઘણા પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ આ વિશે બોલતી જોવા મળી હતી.

શેહલાનું વિવાદાસ્પદ ટ્વિટ અને દેશદ્રોહનો કેસ

ત્યારબાદ 5 ઓગસ્ટ, 2019ના રોજ જ્યારે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી, ત્યારે શેહલા રાશિદે કેન્દ્રના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ત્યારબાદ શેહલાએ ટ્વીટ કરીને સેના અને કેન્દ્ર પર સતત આરોપ લગાવ્યા હતા. શેહલાએ ટ્વીટમાં લખ્યું હતું કે, “લોકો પર આતંક અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, જમ્મુ-કાશ્મીર પોલીસ પાસે કોઈ સત્તા નથી. સેના રાતના અંધારામાં લોકોના ઘરમાં ઘૂસી રહી છે અને લોકોનું અપહરણ કરી રહી છે.” સેનાએ શેહલાના આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. શેહલાના આ ટ્વીટ પર, સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા તેણી પર “દેશમાં હિંસા ભડકાવવાના ઈરાદાથી જાણીજોઈને નકલી સમાચાર(અફવા) ફેલાવવાનો” આરોપ લગાવતા તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં શેહલા વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો હતો. તેમજ શેહલા રાશિદના પિતા અબ્દુલ રશીદ દ્વારા પણ પુત્રી પર રાજદ્રોહનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો.

શેહલા રાશિદે 370 હટાવવાની SCમાં કરી હતી અરજી

શેહલા રશીદે જમ્મુ-કાશ્મીરના IAS શાહ ફૈઝલ સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ આ વર્ષે જુલાઈમાં IAS ઓફિસર શાહ ફૈઝલ અને એક્ટિવિસ્ટ શેહલા રશિદે સુપ્રીમ કોર્ટમાંથી તેમની અરજી પાછી ખેંચી લીધી હતી.

આ પણ જુઓ :જમ્મુ-કાશ્મીરના ડોડામાં બસ ખાઈમાં પડી, 36 મુસાફરોના મૃત્યુ, ઘટનાસ્થળનો વીડિયો જૂઓ

Back to top button