ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ, કોર્ટની કરી હતી રેકી

Text To Speech

મુંબઈ, તા. 16 નવેમ્બરઃ અજિત પવારની  NCPના નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શુભમ લોનકરે દિલ્હીની કોર્ટમાં આફતાબ પૂનાવાલાની હત્યા માટે એક મહિના સુધી રેકી કરી હતી. અગાઉ મુંબઈ પોલીસે આ કેસમાં શિવકુમાર ગૌતમની ધરપકડ કરી હતી.

એક મહિના સુધી કોર્ટની કરી રેકી

સૂત્રોના જણાવ્યા અનુસાર, એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાના માસ્ટરમાઇન્ડ આરોપી શુભમ લોનકરે શ્રદ્ધા વૉકર હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપી આફતાબ પૂનાવાલાની હત્યાની કથિત રીતે યોજના બનાવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કથિત રીતે સંકળાયેલા શુભમ લોનકરે 2022માં દિલ્હીની સાકેત કોર્ટમાં આફતાબ પૂનાવાલાની હત્યા કરવા માટે એક મહિના સુધી રેકી કરી હતી.

આફતાબ પૂનાવાલા પર મહારાષ્ટ્રના વસઈની રહેવાસી શ્રદ્ધા વૉકરની હત્યાનો આરોપ છે. માહિતી અનુસાર, લોરેન્સના સાથીઓએ આફતાબ પૂનાવાલાને ખતમ કરવા માટે એક મહિના સુધી સતત રેકી કરી હતી, પરંતુ દિલ્હી પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે આ યોજના નિષ્ફળ ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે શુભમ લોનકરને આફતાબને ખતમ કરવા માટે મુંબઈથી દિલ્હી બોલાવવામાં આવ્યો હતો અને તેણે એક મહિના સુધી સાકેત વિસ્તારમાં રેકી કરી હતી.

જેલમાં આફતાબ પૂનાવાલાની સુરક્ષા વધારવામાં આવી

તિહાર જેલ વહીવટીતંત્રે શુક્રવારે મીડિયા અહેવાલો બાદ આફતાબ પૂનાવાલાની સુરક્ષા વધારી દીધી હતી. અગાઉ, બાબા સિદ્દીકીની હત્યાના સંબંધમાં ધરપકડ કરાયેલા શિવ કુમાર ગૌતમે પોલીસ સમક્ષ કથિત રીતે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું જેમાં તેણે આફતાબ પૂનાવાલાની હત્યાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે આફતાબ હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગનું લક્ષ્ય છે, જે જેલની અંદર તેની હત્યાનું કાવતરું ઘડી રહી છે. ત્યારથી જેલ સત્તાવાળાઓ હાઈ એલર્ટ પર છે.

18 મે, 2022ના રોજ મહરૌલી વિસ્તારમાં આફતાબે કથિત રીતે શ્રદ્ધા વૉકરની હત્યા કરી હતી. તેના શરીરના ટુકડાઓ છતરપુર પહાડી વિસ્તારના જંગલમાં ફેંકી દેવામાં આવ્યા હતા. તેની નવેમ્બર 2022માં ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરતા હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે આ નુકસાન

Back to top button