બાબા રામદેવના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ, મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્થાપિત કરાશે પ્રતિમા
નવી દિલ્હી, 30 જાન્યુઆરી: દિલ્હીમાં ‘મેડમ તુસાદ ન્યૂયોર્ક’ના એક કાર્યક્રમમાં યોગ ગુરુ રામદેવની મીણની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. ન્યૂયોર્કના મેડમ તુસાદ મ્યુઝિયમમાં બાબા રામદેવની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ દરમિયાન બાબા રામદેવે કહ્યું કે વેક્સ સ્ટેચ્યૂ બનાવતા પહેલા વર્ષ 2018માં તુસાદ ન્યૂયોર્કની ટીમે 200થી વધુ વખત શરીરનું માપ લીધું હતું. આ ઉપરાંત, ટીમે તેમના ચહેરાના હાવભાવ પણ રેકોર્ડ કરીને તેમના હજારો ફોટા લીધા હતા.
View this post on Instagram
આ યોગ મુદ્રામાં જોવા મળ્યા બાબા રામદેવ
મેડમ તુસાદ ન્યૂયોર્કમાં બાબા રામદેવની મીણની પ્રતિમા વૃક્ષાસન મુદ્રામાં જોવા મળશે. આ મીણની પ્રતિમા સમારોહ માટે દિલ્હી પહોંચી છે અને ત્યારબાદ તેને ન્યૂયોર્ક મોકલવામાં આવશે. પતંજલિ યોગપીઠના કેન્દ્રીય પ્રવક્તા એસકે તિજારાવાલાના જણાવ્યા અનુસાર, ભારતીય સંસ્કૃતિ સંન્યાસ અને સનાતન યોગ પરંપરાની વૈશ્વિક પ્રતિષ્ઠા માટે આ એક ઐતિહાસિક અવસર છે. બાબા રામદેવ પહેલા સાધુ છે જેમનું વેક્સ સ્ટેચ્યૂ મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્થાપિત કરવામાં આવશે.
મેડમ તુસાદ મ્યુઝિયમમાં ભારતીય હસ્તીઓની પ્રતિમાઓ સ્થાપિત
અત્યાર સુધી મેડમ તુસાદ મ્યુઝિયમમાં ઘણી ભારતીય હસ્તીઓના વેક્સ સ્ટેચ્યૂ લગાવવામાં આવ્યા છે. જેમાં મહાત્મા ગાંધી, ભગત સિંહ, ઈન્દિરા ગાંધી, નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, મિલ્ખા સિંહ, મેરી કોમ, કપિલ દેવ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાન, સલમાન ખાન અને રિતિક રોશન સામેલ છે. હવે આ યાદીમાં યોગ ગુરુ બાબા રામદેવનું નામ પણ જોડાઈ ગયું છે.
આ પણ વાંચો: ‘મેં ઓબીસી નહીં, ઓવૈસી કહ્યું,’ વિવાદિત નિવેદન પર બાબા રામદેવનો યુ-ટર્ન