પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અભેદ્ય કિલ્લામાં પરિવર્તિત થયું અયોધ્યા
અયોધ્યા, 17 જાન્યુઆરી : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા શહેર સુરક્ષાના ભાગરૂપે અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં લગભગ 8 હજારથી વધુ VIP મહેમાનો અહીં હાજર હશે. તેથી અહીં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 10 હજારથી વધુ સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન પણ લગાવવામાં આવ્યા છે, જે ખૂણે-ખૂણા પર નજર રાખશે.
22 જાન્યુઆરી 2024 ના રોજ ભગવાન શ્રી રામની નગરીમાં કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા :
22 જાન્યુઆરીએ અયોધ્યામાં સ્થિતિ ઉપર સતત નજર રાખી શકાય તે માટે ડ્રોન અને સીસીટીવી ઉપરાંત મોટી સંખ્યામાં વિશેષ પ્રશિક્ષિત સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવી છે. જે ઓટોમેટિક હથિયારોથી સજ્જ હશે અને આ સૈનિકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે તૈનાત SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ) થી લઈને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) સુધીના વિશેષ કમાન્ડો તૈનાત કરવામાં આવશે.
અયોધ્યામાં રામ ભક્તોની ભીડ
જેમ-જેમ પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ અયોધ્યામાં રામ ભક્તોની ભીડ વધી રહી છે. રામ ભક્તો આ ક્ષણની વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, આ કાર્યક્રમ દરમિયાન કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે સુરક્ષા એજન્સી દ્વારા ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે.
સાત સ્તરની સુરક્ષા
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની સંપૂર્ણ સુરક્ષા માટે કેન્દ્ર અને યુપી સરકારની સુરક્ષા એજન્સીઓએ મળીને 7 સ્તરની સુરક્ષા કોર્ડન તૈયાર કરી છે. જેમાં પહેલા સર્કલમાં એસપીજી કમાન્ડો આધુનિક હથિયાર સાથે સજ્જ હશે. બીજા સર્કલમાં NSGના જવાનો, ત્રીજા સર્કલમાં આઈપીએસ અધિકારીઓ સુરક્ષાની જિમ્મેદારી સંભાળશે. સીઆરપીએફના જવાનો ચોથા સર્કલની જવાબદારી સંભાળશે. પાંચમા સર્કલમાં યુપી એટીએસના કમાન્ડો હશે જે કોઈપણ શંકાસ્પદ પરિસ્થિતિમાં એક્શન લેવા માટે તૈયાર રહેશે. છઠ્ઠા સર્કલમાં આઈબીના જવાનો અને સાતમા સર્કલમાં સ્થાનિક પોલીસ જવાનો તૈનાત રહેશે.
મોટી-મોટી હસ્તીઓ રહેશે હાજર
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા ટોચના મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. આ ઉપરાંત ભારત અને વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં હસ્તીઓ ભાગ લેવા આવી રહી છે. આમંત્રિત મહેમાનો ઉપરાંત લાખો સામાન્ય લોકો પણ તે દિવસે અયોધ્યા પહોંચવાના છે, જેઓ કાર્યક્રમનો ભાગ નહીં હોય પરંતુ આ ખાસ અવસર પર રામનગરીમાં હાજર હશે.
એન્ટી ડ્રોન સિસ્ટમ
કાર્યક્રમ દરમિયાન કોઈપણ સંભવિત હવાઈ હુમલાનો સામનો કરવા માટે સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે એન્ટી ડ્રોન સિસ્ટમથી લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે . એસપી પ્રવીણ રંજને જણાવ્યું કે, રામ મંદિરની સુરક્ષા માટે સીઆરપીએફની 6 કંપની, પીએસીની 3 કંપની, એસએસએફની 9 કંપનીઓ અને એટીએસ અને એસટીએફના એક-એક યુનિટ 24 કલાક તૈનાત રહેશે . આ સાથે 300 પોલીસકર્મીઓ, 47 ફાયર સર્વિસ, 40 રેડિયો પોલીસ કર્મચારીઓ, 37 સ્થાનિક ગુપ્તચર, 2 બોમ્બ ડિટેક્શન સ્કવોડ ટીમો અને 2 એન્ટી સેબોટેજ સ્કવોડ ટીમો માત્ર સ્થળ પર જ નહીં પરંતુ મંદિર તરફ જતા તમામ રસ્તાઓ પર પણ તૈનાત કરવામાં આવી છે. જેથી કોઈપણ ઘૂસણખોરીને અટકાવી શકાય. દરેક મુલાકાતીઓ પર નજર રાખવામાં આવી રહી છે. અને શંકાસ્પદ દેખાતા વ્યક્તિની ઓળખ પણ પૂછવામાં આવી રહી છે.
એક હજારથી વધુ સંરક્ષણ જવાનો પીએમની સુરક્ષામાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મહત્તમ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. પીએમના સુરક્ષા વર્તુળમાં ત્રણ ડીઆઈજી, 17 એસપી, 40 એએસપી, 82 ડીએસપી, 90 ઈન્સ્પેક્ટરની સાથે 1000થી વધુ કોન્સ્ટેબલ અને 4 પીએસી કંપની તૈનાત રહેશે. યુપી પોલીસે સર્વેલન્સ માટે 10 હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. સાથે જ, જે લોકોએ પોતાની દુકાનો અને ઘરોની સામે સીસીટીવી કેમેરા લગાવ્યા છે તેને પણ પોલીસ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે.
સ્નાઈપર્સ પણ સંભાળશે મોર્ચો
કાર્યક્રમ દરમિયાન ચાંપતી નજર રાખવા અને લાંબા અંતરના કોઈપણ હુમલાનો સામનો કરવા માટે સ્નાઈપર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના ડીજી એલઓ પ્રશાંત કુમારે જણાવ્યું કે, અયોધ્યામાં માઇક્રો લેવલ સુધી સુરક્ષાની તૈયારીઓ છે. સરયૂના કિનારે સુરક્ષા માટે સ્નાઈપર્સ તૈનાત રહેશે તો ઘણા સૈનિકો હાઈ સ્પીડ વોટ દ્વારા નજર રાખશે. સ્થાનિક લોકોના મતે અયોધ્યાની આસપાસ આટલી મજબૂત સુરક્ષા આ પહેલા ક્યારેય નથી બની.
આ પણ વાંચો : હેમા માલિની અયોધ્યામાં રામાયણ પર રજૂ કરશે ડાન્સ ડ્રામા