અયોધ્યાઃ ઉત્તરપ્રદેશ કોંગ્રેસના નેતાઓ 15 જાન્યુઆરીએ રામલલાના દર્શન કરશે
- કોંગ્રેસના પ્રભારી મહાસચિવ અવિનાશ પાંડે અને પ્રદેશ અધ્યક્ષ અજય રાય સહિત ઘણા કાર્યકરો 15 જાન્યુઆરીએ અયોધ્યા જશે
લખનઉ, 07 જાન્યુઆરી: ઉત્તર પ્રદેશના સહારનપુરથી શરૂ થયેલી કોંગ્રેસની યુપી જોડો યાત્રા શનિવારે લખનઉમાં પુરી થઈ છે. આ પછી પાર્ટીના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડેએ અહીં નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી જેમાં પ્રદેશ અધ્યક્ષ અજય રાય, પૂર્વ સાંસદ, ધારાસભ્ય અને ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા જવાનો પ્લાન બનાવ્યો છે.
પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અયોધ્યા જશે
બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે યુપી કોંગ્રેસના નેતાઓ 15 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાના દર્શન કરશે. યુપી પ્રભારી અવિનાશ પાંડેની સાથે પ્રદેશ અધ્યક્ષ અજય રાય સહિત કેટલાક નેતાઓ અયોધ્યા જશે. કમુરતા ઉતર્યા પછી જ આ તમામ નેતાઓ અયોધ્યા જશે અને 15 જાન્યુઆરીએ રામલલાના દર્શન કરશે. કમુરતા 15મી જાન્યુઆરીએ સવારે 9.15 કલાકે ઉતરે છે.
આ પછી, કોંગ્રેસના નેતાઓ કાર્યાલયથી રાષ્ટ્રીય મહાસચિવ/ઈન્ચાર્જ ઉત્તર પ્રદેશ અવિનાશ પાંડે અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી અજય રાયના નેતૃત્વમાં અયોધ્યા જવા રવાના થશે. અયોધ્યા પહોંચ્યા બાદ તમામ નેતાઓ સરયૂ નદીમાં સ્નાન કરશે અને પછી રામલલા અને હનુમાન ગઢીના દર્શન કરશે.
આ વિપક્ષી નેતાઓને મળ્યું આમંત્રણ
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવાની છે. આ પ્રસંગે રામ નગરીમાં ધામ ધુમથી તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય આયોજક હશે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ માટે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી સહિત અનેક વિપક્ષી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને રામ મંદિર ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું છે. કોંગ્રેસ દ્વારા હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે પાર્ટીના નેતાઓ અયોધ્યામાં યોજાનાર સમારોહમાં હાજરી આપશે કે નહીં. આ સિવાય બિહારના સીએમ નીતિશ કુમાર અને પૂર્વ સીએમ લાલુ યાદવને પણ આમંત્રણ મળ્યું છે.
આ પણ વાંચો: ઉદ્ધવ જુથે કોંગ્રેસને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં જવાની સલાહ આપી, કોંગ્રેસ હવે શું કરશે?