‘દીપોત્સવ-2024’માં 28 લાખ દીવાઓથી જગમગશે અયોધ્યા: તૈયારી અંતિમ તબક્કામાં, જૂઓ વીડિયો
- તૈયારીના ભાગરૂપે દીવાઓ ગોઠવવામાં આવી રહ્યા છે અને કલાકારોના લેસર, સાઉન્ડ, ડ્રોન શોનું ટ્રાયલ ચાલી રહ્યું છે
અયોધ્યા, 29 ઓકટોબર: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ‘દીપોત્સવ-2024‘માં અયોધ્યાને 28 લાખ દીવાઓથી પ્રકાશિત કરવામાં આવશે અને આ માટેની તૈયારીઓ ચરમસીમાએ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યાલયે મંગળવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં “દરેકનો ઉત્સવ – અયોધ્યા દીપોત્સવ”ના નારા સાથે લખ્યું હતું કે, દીપોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે… દીવાઓ ગોઠવવામાં આવી રહ્યા છે. .. કલાકારોના લેસર, સાઉન્ડ, ડ્રોન શોનું ટ્રાયલ ચાલી રહ્યું છે અને અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમાર પોતે તેની દેખરેખ રાખી રહ્યા છે. અયોધ્યામાં દીપોત્સવ-2024નું આ આઠમું વર્ષ છે. તેની શરૂઆત 2017માં ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ થઈ હતી. આ વખતે અયોધ્યામાં સરયૂ કાંઠાના ઘાટો પર 28 લાખ દીવા પ્રગટાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
જૂઓ આ ખાસ તૈયારીના વીડિયો
સરયુ નદીના 55 ઘાટો પર 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે
સરયુ નદીના 55 ઘાટો પર 28 લાખ દીવા પ્રગટાવવાના કાર્યને વિશ્વ રેકોર્ડ તરીકે સ્થાપિત કરવામાં આવશે. આ દીવાઓને સજાવવા માટે 30 હજારથી વધુ સ્વયંસેવકો તૈનાત કરવામાં આવ્યા છે. આ વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય નવનિર્મિત મંદિરમાં ભગવાન રામલલાનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ વખતે રામલલાના મંદિરમાં ખાસ પ્રકારનો દીવો પ્રગટાવવાની યોજના છે. નવનિર્મિત રામ જન્મભૂમિ મંદિરમાં પ્રથમ દિવાળીની ભવ્ય અને ‘ઇકો-ફ્રેન્ડલી’ તૈયારીઓ ચાલી રહી છે.
આધ્યાત્મિકતા, પરંપરા અને સંસ્કૃતિનો સંગમ જોવા મળશે
રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રામ જન્મભૂમિ મંદિરને આકર્ષક ફૂલોથી શણગારવામાં આવશે. પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિરની ઇમારતના પરિસરમાં ખાસ મીણના દીવા પ્રગટાવવામાં આવશે, જેનાથી ન્યૂનતમ કાર્બન ઉત્સર્જન થશે.” સત્તાવાર માહિતી અનુસાર, પ્રકાશનાં આ પર્વ પર રામ નગરીમાં આધ્યાત્મિકતા, પરંપરા અને સંસ્કૃતિનો સંગમ જોવા મળશે. 30 ઓક્ટોબરે, ઉત્તરાખંડની રામલીલા સાથે, છ દેશોના કલાકારો… મ્યાનમાર, નેપાળ, થાઈલેન્ડ, મલેશિયા, કંબોડિયા અને ઈન્ડોનેશિયા રામકથા પાર્કમાં મુખ્ય મંચ પર રામલીલાનું મંચન કરશે.
दीपोत्सव की तैयारियां अंतिम चरण में हैं… दीयों को लगाने का काम चल रहा है… कलाकारों के लेजर, साउंड, ड्रोन शो का ट्रायल जारी है… @uptourismgov | @upculturedept | #सबका_उत्सव_अयोध्या_दीपोत्सव | #WorldBiggestUPDeepotsav | #AyodhyaDeepotsav2024 pic.twitter.com/lsWtBSf8l9
— CM Office, GoUP (@CMOfficeUP) October 29, 2024
દીપોત્સવમાં અન્ય રાજ્યોના કલાકારો પણ પરફોર્મ કરશે. જેમાં બઢવા પર મધ્યપ્રદેશની નિધિ ચૌરસિયાની ટીમ, બિહુ પર આસામની સનહલ દેવી, લાવણી પર મહારાષ્ટ્રની શ્રદ્ધા, તેલંગાણાના શ્રીધર વિશ્વકર્મા ગુસાદી પર, ઝારખંડની સૃષ્ટિધર મહતો અને ટીમ છાઉ નૃત્ય પર, બિહારની મહિમા ઝીઝીંયા પર, રાજસ્થાનની મમતા દેવી કાલબેલિયા/ઘૂમર લોકનૃત્ય પર, જમ્મુના મોહમ્મદ યાસીન અને તેમની ટીમ રઉફ લોકનૃત્ય રજૂ કરશે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અયોધ્યામાં દીપોત્સવના અવસર પર પશુધન વિભાગ 1.5 લાખ ગો દીપ પ્રગટાવશે. પશુધન પ્રધાન ધરમપાલ સિંહ, સોમવારે સાંજે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મળ્યા અને પ્રતીકાત્મક રીતે ગો દીપ અને અન્ય ગાય ઉત્પાદનો ભેટ આપ્યા. રાજ્ય સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ વિશેષ લેમ્પ મંદિરની ઇમારતને ડાઘ અને કાજળથી બચાવશે અને લાંબા સમય સુધી પ્રકાશ પણ આપશે. રાજ્યના માહિતી વિભાગે આ સમગ્ર ઘટનાના જીવંત પ્રસારણની વ્યવસ્થા કરી છે. દીપોત્સવના દિવસે રામ કી પૌડી ખાતે યોજાનાર તમામ કાર્યક્રમો દૂરદર્શન અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ બતાવવામાં આવશે.
અયોધ્યા જિલ્લા માહિતી અધિકારી સંતોષ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, શહેરમાં 20 સ્થળોએ LED દિવાલો અને LED વાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે અયોધ્યા કોતવાલી, હનુમાનગઢી, વાલ્મીકી ભવન, પોસ્ટ ઓફિસ, તુલસી સ્મારક ભવન, કારસેવકપુરમ, મીડિયા સેન્ટર, ટેઢી બજાર સ્ક્વેર, રેલવે સ્ટેશન, વિદ્યા કુંડ, સાકેત પેટ્રોલ પંપ, દીનબંધુ નેત્રાલય વર્કશોપ, હનુમાન ગુફા પાસે LED વોલ લગાવવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, બસ સ્ટેન્ડ, સાહદતગંજ, નાકા, દેવકાલી બાયપાસ, સાકેત, ઉદયા અને અન્ય સ્થળોએ એલઇડી વાન પાર્ક કરવામાં આવશે. શહેરના માર્ગોને ફૂલોના હાર અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે.
પોલિસ દ્વારા સુરક્ષાની તમામ તૈયારીઓ કરવામાં આવી
ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમારે તહેવારોને લઈને વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી અને ખાસ કરીને અયોધ્યાની કડક સુરક્ષા માટે સૂચનાઓ આપી હતી. DGPએ અયોધ્યાની તમામ ધર્મશાળાઓ, હોટલ, ઢાબા વગેરે પર સતર્ક નજર રાખવા અને શંકાસ્પદ વ્યક્તિઓ અને તમામ મહત્વના સ્થળોની સઘન તપાસ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ કાર્યક્રમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે સરયૂ નદી પર રામ કી પૌડી તરફ જતા 17 રસ્તાઓ બંધ કરી દીધા છે.
અયોધ્યા પોલીસ સ્ટેશનના નિરીક્ષક મનોજ કુમાર શર્માએ સોમવારે જણાવ્યું હતું કે, રામ કી પૌડી સાથે જોડાયેલા 17 રસ્તાઓને સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે અને માત્ર પાસ ધારકોને જ આ રસ્તાઓ પરથી પસાર થવા દેવામાં આવશે. તમામ 17 લિંક રોડ પર એક સબ ઈન્સ્પેક્ટર અને ચાર કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ATS, STF અને CRPFના 200 કમાન્ડો રામ મંદિર અને આસપાસના વિસ્તારોની સુરક્ષા કરશે.