અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતધર્મનેશનલમધ્ય ગુજરાતશ્રી રામ મંદિર

અયોધ્યાઃ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનો કાર્યક્રમ જાહેર, રામલલાની પ્રતિમા થઈ નક્કી

  • પહેલાંની તમામ પૂજાવિધિ 16 જાન્યુઆરી એટલે કે આવતીકાલે મંગળવારથી શરૂ થશે
  • મૂર્તિ પથ્થરની છે અને તેનું વજન અંદાજે 200 કિલો સુધી હોઈ શકે છેઃ મૂર્તિનો રંગ શ્યામ હશે
  • મૈસૂરના અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરવામાં આવેલી મૂર્તિની પસંદગી કરવામાં આવી

અયોધ્યા, 15 જાન્યુઆરી, 2024: કરોડો રામભક્તો જે દિવસની રાહ જોઈ રહ્યા છે એ દિવસ હવે સાવ નજીક આવી ગયો છે ત્યારે શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભની વિગતો મીડિયાને આપી હતી.

ચંપત રાયે કહ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠાની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. તે પહેલાંની તમામ પૂજાવિધિ 16 જાન્યુઆરી એટલે કે આવતીકાલે મંગળવારથી શરૂ થશે. મંદિર ટ્રસ્ટના સચિવના જણાવ્યા મુજબ રામલલાની મૂર્તિ વિશે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે.

 

સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા ચંપત રાયને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, મૈસૂરના અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરવામાં આવેલી મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. મીડિયાના અહેવાલ મુજબ ચંપત રાયે જણાવ્યું કે, મૂર્તિ પથ્થરની છે અને તેનું વજન અંદાજે 200 કિલો સુધી હોઈ શકે છે. મૂર્તિનો રંગ શ્યામ હશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ મૂર્તિ 18 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં લઈ જવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સચિવના જણાવ્યા મુજબ 22 જાન્યુઆરીએ લગભગ 12.20 વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શરૂ થશે અને એક વાગ્યે પૂર્ણ થશે. આ વિધિ દરમિયાન ગર્ભગૃહમાં મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ઉપસ્થિત હશે.

 

ચંપત રાયે જણાવ્યું કે, લગભગ 65થી 70 મિનિટના વિધિ-વિધાન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સરસંઘચાલક મોહન ભાગવત તથા યોગી આદિત્યનાથ ઉપસ્થિત મહેમાનોને સંબોધન કરશે.

તેમણે માહિતી આપી કે, આ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં તમામ ક્ષેત્રના ટોચના નિષ્ણાતોને નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે જેમાં રાજકારણ, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, વિજ્ઞાન, રમતગમત, સંગીત, સંતો-મહંતો ઉપરાંત કારસેવા દરમિયાન પ્રાણની આહૂતિ આપનાર હુતાત્માઓના પરિવારજનોને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ કાશ્મીરની દીકરીએ પહાડી બોલીમાં રામ ભજન ગાઈને ભક્તિમાં લીન કર્યા, જૂઓ વીડિયો

Back to top button