ત્રેતાયુગની જેમ સજાવાઈ રહી છે અયોધ્યાઃ જાણો જુની મૂર્તિનું શું કરાશે?
- શ્રી રામના સ્વાગત માટે અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે. અયોધ્યાના ચોકથી લઈને મઠ અને મંદિરના રસ્તાઓ સુધી બધું જ રોશનીથી ઝળહળી રહ્યું છે.
અયોધ્યા, 29 ડિસેમ્બરઃ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અયોધ્યા ભગવાન રામના પાવન જન્મ સ્થળના રુપમાં કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ જ કારણ છે કે રામ મંદિરના ઉદ્ધાટન માટે અયોધ્યા નગરીને ભવ્ય બનાવવામાં આવી રહી છે. અહીં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યા નગરીને ત્રેતાયુગની થીમ પર સજાવવામાં આવી રહી છે.
શ્રી રામની નગરીમાં ત્રેતાયુગની થીમ
શ્રી રામના સ્વાગત માટે અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે. અયોધ્યાના ચોકથી લઈને મઠ અને મંદિરના રસ્તાઓ સુધી બધુ જ રોશનીથી ઝળહળી રહ્યું છે. રસ્તાના કિનારે સ્થાપિત સૂર્યસ્તંભ ભગવાન રામના સૂર્યવંશી હોવાના પ્રતીકને દર્શાવે છે. મહાયજ્ઞ માટે 1008 કુંડ બનાવવામાં આવ્યા છે. રામલલાના અભિષેકના દિવસે સમગ્ર અયોધ્યા દીવડાઓથી ઝળહળી ઉઠશે, શ્રી રામચંદ્ર 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા હતા ત્યારે તેમનું આ જ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
રામ મંદિરના દરવાજા સોનાથી જડવામાં આવશે અને સુંદર કોતરણીવાળી ડિઝાઇન હશે. આ દરવાજાઓ પર ભવ્યતાનું પ્રતીક હાથી, સુંદર વિષ્ણુ કમળ અને સ્વાગત મુદ્રામાં દેવીની પ્રતિમાઓ દોરવામાં આવી છે. મંદિરને નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે, જેમાં લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ત્રેતાયુગનું શું છે મહત્ત્વ?
શાસ્ત્રોમાં ચાર યુગોનું વર્ણન છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. સત્યયુગના અંત પછી જ્યારે ત્રેતાયુગની શરૂઆત થઈ ત્યારે તેને સનાતન ધર્મનો બીજો યુગ માનવામાં આવે છે. ત્રેતાયુગ 12.96 લાખ વર્ષ લાંબો હતો. ત્રેતાયુગમાં ધર્મ અને કર્મનું પાલન થતું હતું. ત્રેતાયુગમાં અધર્મનો નાશ કરવા ભગવાન વિષ્ણુએ ત્રણ અવતાર લીધા હતા. વામન અવતાર, પરશુરામ અવતાર અને શ્રી રામ અવતાર. ત્રેતાયુગમાં શ્રી રામ માતા સીતા અને તેમના સમગ્ર પરિવાર સાથે તેમના ભવ્ય મહેલમાં રહેતા હતા. નવા રામ મંદિરને પણ ભવ્ય રૂપ આપવામાં આવી રહ્યું છે.
રામલલાની જુની મૂર્તિઓનું શું કરાશે?
ગર્ભગૃહમાં રામલલાની જુની મૂર્તિઓને નવી મૂર્તિ સાથે જ સ્થાપવામાં આવશે. નવી મૂર્તિને અચલ મૂર્તિ તરીકે ઓળખવામાં આવશે જ્યારે જુની મૂર્તિ ઉત્સવમૂર્તિ તરીકે ઓળખાશે. શ્રીરામ સાથે જોડાયેલા તમામ ઉત્સવોમાં ઉત્સવમૂર્તિને જ શોભાયાત્રામાં વિરાજમાન કરવામાં આવશે. નવી મુર્તિઓ હંમેશા ગર્ભગૃહમાં ભક્તોના દર્શન માટે હશે. રામલલાની જુની મૂર્તિઓની ઉંચાઈ ખુબ ઓછી છે. જેના ભક્તોને સારી રીતે દર્શન થઈ શકતા નથી. રામના બાળ સ્વરુપની નવી મૂર્તિઓ 51 ઈંચની હશે. ભક્તોને મૂર્તિના 35 ફુટ દૂરથી પણ દર્શન થઈ શકશે.
આ પણ વાંચોઃ અયોધ્યાથી આવેલી કળશયાત્રાનું સાળંગપુરમાં ભવ્ય સ્વાગત