અયોધ્યાઃ મકર સંક્રાંતિના દિવસે ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિની સ્થાપના પછી જાન્યુઆરી 2024માં અયોધ્યામાં રામ મંદિર ભક્તો માટે ખોલી દેવામાં આવશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે મંદિર ભૂકંપનો સામનો કરનારું તેમજ 1000થી વધુ વર્ષો સુધી ઊભું રહી શકે તેટલું મજબૂત બનશે.
1800 કરોડના ખર્ચે બની રહ્યું છે મંદિર
મંદિરનું નિર્માણ 1800 કરોડ રૂપિયા ખર્ચે થઈ રહ્યું છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે મંદિરનું નિર્માણ કાર્ય 50 ટકા જેટલું પુરું થઈ ગયું છે. 392 થાંભલા અને 12 દરવાજાવાળા આ મંદિરનું નિર્માણ લોખંડના સળિયા વગર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે પથ્થરોને જોડવા માટે લોખંડની જગ્યાએ તાંબાની ચિપ્સનો ઉપયોગ થઈ રહ્યો છે.
ગર્ભગૃહમાં 160 સ્તંભ હશે જ્યારે પહેલા માળે 82 હશે. કુલ મળીને સંરચનામાં સાગના લાકડામાંથી બનેલા 12 પ્રવેશદ્વાર હશે. જ્યારે એક રાજસી મુખ્ય પ્રવેશ દ્વાર ‘સિંહ દ્વાર’ પહેલા માળે હશે. નૃત્ય, રંગ અને ગૂઢ મંડપ હશે. મુખ્ય મંદિરનું પરિમાણ 350/250 ફુટ હશે.
‘અમે કામની ગતિ અને ગુણવતાથી સંતુષ્ટ છીએ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભલામણ પર મંદિર ખુલ્યા બાદ તેની આજુબાજુના પાંચ કિલોમીટરના વિસ્તારમાં લોકોને આવવા જવાથી શું અસર થશે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે અમે કામની ગતિ અને ગુણવતાથી સંતુષ્ટ છીએ. 2.7 એકર વિસ્તારમાં ફેલાયેલા આ મંદિરના નિર્માણમાં રાજસ્થાનથી લાવવામાં આવેલો ગ્રેનાઈટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટના ઈન્ચાર્જ જગદીશ અપાલેએ કહ્યું કે ગર્ભગૃહનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે રામ નવમી પર સૂર્યની કિરણ રામ લલ્લાની પ્રતિમા પર જ પડે.