આ શાકભાજીને ફ્રિજમાં સ્ટોર કરવાનું ટાળો, થઈ શકે છે હેલ્થને નુકસાન
- શાકભાજીને ફ્રિજમાં સ્ટોર કરવાનું લગભગ દરેક લોકો કરતા હશે, પરંતુ શું તમે જાણો છો કે દરેક શાકભાજી ફ્રિજમાં સ્ટોર કરવા યોગ્ય નથી
HD ન્યુઝ ડેસ્કઃ શિયાળો હોય કે ઉનાળો દરેક ઘરમાં ફ્રિજનો ઉપયોગ ચોક્કસપણે થાય છે. ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે ફ્જિની જરૂર પડે છે. ખાસ કરીને બજારમાંથી લાવેલા શાકભાજીને અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર કર્યા વિના રાખવા શક્ય નથી. આવી સ્થિતિમાં ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી સંગ્રહિત કરવાનો સૌથી સરળ રસ્તો તેને લાવીને ફ્રિજમાં સ્ટોર કરવાનો છે. જો કે કેટલાક શાકભાજી એવા છે જેની સાથે તમારે આવું કરવાની ભૂલ ન કરવી જોઈએ. કેટલાક શાકભાજીને ફ્રીજમાં રાખવાથી તેના ગુણોમાં ફેરફાર થાય છે, જેના કારણે તે શરીરને ફાયદો થવાને બદલે નુકસાન પહોંચાડે છે. તો ચાલો જાણીએ આવા શાકભાજી વિશે.
લીલા શાકભાજીનો સંગ્રહ કરતી વખતે સાવચેત રહો
શિયાળાની ઋતુમાં વિવિધ પ્રકારનાં લીલાં પાંદડાંવાળાં શાકભાજી ભરપૂર ખાવામાં આવે છે. આ દિવસોમાં દરેક ઘરમાં તેના ઢગલા જોવા મળે છે. જોકે લીલા શાકભાજીને ફ્રિજમાં સ્ટોર કરતી વખતે થોડી સાવધાની રાખવી જરૂરી છે. નિષ્ણાતોના મતે લીલા શાકભાજીને સારી રીતે ધોયા પછી તેને માત્ર 12 કલાક માટે જ ફ્રિજમાં રાખવી જોઈએ. આના કરતા વધુ સમય સુધી સંગ્રહ કરવાથી આ શાકભાજીના કુદરતી સ્વાદ, રચના અને પોષક તત્વો પર નકારાત્મક અસર પડી શકે છે.
ફ્રિજમાં લસણ અને ડુંગળી રાખવાનું ટાળો
લસણ અને ડુંગળી એવી શાકભાજી છે, જેના વિના કોઈપણ શાકભાજીનો સ્વાદ અધૂરો રહે છે. ઘણીવાર લોકો લસણ અને ડુંગળીને મોટી માત્રામાં ખરીદે છે અને તેને સ્ટોર કરે છે, કારણ કે તે ઝડપથી બગડતા નથી. જો કે તેને ફ્રિજમાં ક્યારેય સ્ટોર ન કરવા જોઈએ. જ્યારે લસણ અને ડુંગળીને ફ્રિજમાં રાખવામાં આવે છે, ત્યારે તે અંકુરિત થવા લાગે છે, જેના કારણે તેનો સ્વાદ બગડી જાય છે. તેથી, તેને હંમેશા ઠંડી અને સૂકી જગ્યાએ સ્ટોર કરવા જોઈએ.
આદુને ફ્રિજમાં ન રાખો
શિયાળાની ઋતુમાં આદુનો ભરપૂર ઉપયોગ થાય છે. તે માત્ર ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરતું નથી, પરંતુ તેનો ઉપયોગ કુદરતી દવા તરીકે પણ થાય છે. ઘણા લોકો આદુને ફ્રિજમાં સ્ટોર કરે છે, પરંતુ આદુને ફ્રિજમાં ન રાખવું જોઈએ. આદુને ફ્રિજમાં રાખવાથી તેમાં ફુગ પણ લાગી શકે છે, જેના કારણે તે બગડી જાય છે. આ સાથે તે કિડની અને લિવર માટે હાનિકારક બને છે.
બટાકાને ફ્રિજમાં રાખવાથી થાય છે નુકસાન
શિયાળો હોય કે ઉનાળો દરેક ઘરમાં બટાકાનો સ્ટોક હોય છે. બટાકા દરેક વસ્તુમાં ઉપયોગી છે. તેની કેટકેટલી વાનગી બની શકે છે. કેટલાક લોકો ઘણા બધા બટાટા ખરીદે છે અને તેને ફ્રિજમાં સ્ટોર કરે છે, જે આરોગ્ય માટે બિલકુલ સારું નથી. જ્યારે બટાકાને ફ્રિજમાં રાખવામાં આવે છે, ત્યારે તે માત્ર અંકુરિત નથી થતા પરંતુ બટાકામાં હાજર સ્ટાર્ચ શુગરમાં પરિવર્તિત થાય છે. આ કારણે તે ડાયાબિટીસના દર્દીઓ તેમજ સામાન્ય લોકો માટે સ્વાસ્થ્યપ્રદ નથી.
ટામેટાંને પણ ફ્રિજમાં ન રાખો
ટામેટા પણ એક એવું શાક છે જે હંમેશા દરેક ઘરમાં હોય છે. લગભગ દરેક શાકભાજીમાં ટામેટા ઉમેરવામાં આવે છે, તેથી લોકો ઘણા ટામેટા લઈ આવે છે અને તેને ફ્રિજમાં સ્ટોર કરી દે છે. આવું બિલકુલ ન કરવું જોઈએ. ટામેટાંને ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ અને ટેક્સચર બંને બગડે છે. આ ઉપરાંત ટામેટાંમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ પણ નાશ પામે છે.
આ પણ વાંચોઃ શું ખરેખર આંતરડામાં જામી જાય છે મેદો? કેમ ડોક્ટર્સ ખાવાની ના કહે છે?
આ પણ વાંચોઃ Botox વૃદ્ધાવસ્થાથી બચાવી લેશે, પરંતુ કરાવતા પહેલા જાણો ફાયદા અને નુકસાન
આ પણ વાંચોઃ ગાજરને ડાયેટનો ભાગ બનાવશો તો સ્કિન ગ્લો કરવા લાગશે, બીજા પણ લાભ
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ