‘સોશિયલ મીડિયા પર અફવાઓથી બચો’, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કેન્દ્રની એડવાઈઝરી જાહેર
- રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે કરવામાં આવશે, એ પહેલાં સરકારે ફેક ન્યૂઝ પ્રકાશિત કરવા અંગે એડવાઈઝરી જારી કરી છે
અયોધ્યા, 20 જાન્યુઆરી: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરક્ષા પણ કડક કરવામાં આવી છે. એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે એક એડવાઈઝરી જારી કરીને મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રામ મંદિર કાર્યક્રમ સાથે જોડાયેલા ખોટા અને છેડછાડવાળા સમાચાર પ્રકાશિત કરવાથી બચવા કહ્યું છે.
કેન્દ્ર સરકારે શું કહ્યું છે એડવાઈઝરીમાં?
સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “એવું ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ખોટા, ભડકાઉ અને નકલી સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, જે સાંપ્રદાયિક ભાવના અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે.” આવા ખોટા મેસેજોને પ્રકાશિત કરવાથી દુર રહેવાનું કહેવામાં આવ્યું છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા VIP ટિકિટ, રામ મંદિર પ્રસાદ આપવાનો દાવો કરતી ઘણી નકલી લિંક્સ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. જેની સામે સરકાર કાર્યવાહી કરી રહી છે.
રામ મંદિર પ્રસાદને લઈને એમેઝોનને નોટિસ
શુક્રવારે (19 જાન્યુઆરી), ઈ-કોમર્સ સાઈટ એમેઝોનને અયોધ્યા રામમંદિર પ્રસાદની યાદી હટાવવા માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેના પર એમેઝોને કહ્યું કે તે તેની નીતિઓ અનુસાર આવા લિસ્ટિંગ સામે યોગ્ય કાર્યવાહી કરી રહી છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એમેઝોને સ્વીકાર્યું કે તેમને કેટલાક વિક્રેતાઓના ભ્રામક ઉત્પાદન દાવાઓ અંગે CCPA તરફથી નોટિસ મળી છે અને કહ્યું છે કે કંપની તેમની તપાસ કરી રહી છે.
VIP ટિકિટનો નકલી QR વાયરલ થયો હતો
થોડા દિવસો પહેલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે તાત્કાલિક વીઆઇપી ટિકિટનો દાવો કરતો નકલી QR કોડ સાથેનો એક WhatsApp મેસેજ વાયરલ થયો હતો. જે બાદ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા કરી હતી કે ટ્રસ્ટે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પોતે જ પસંદ કરેલા મહેમાનોને આમંત્રણ મોકલ્યું છે.
આ પણ વાંચો: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તમે ઘરે બેઠા-બેઠા પણ જોઈ શકો છો, જાણો કેવી રીતે?