અંગદાન મહાદાનઃવિશ્વ લીવર દિવસે ઇડરના બ્રેઇનડેડ યુવકના પરિવારજનોએ લીવર અને કિડનીનું કર્યું અંગદાન
અમદાવાદ સિવિલ હોસ્વિટલમાં 19મી એપ્રિલ વિશ્વ લીવર દિવસે 20 વર્ષીય બ્રેઇનડેડ યુવકના લીવરનું દાન મળ્યું છે.પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણયમાં લીવરની સાથે બે કિડનીનું પણ દાન મળ્યું છે.શરીરના જુદા-જુદા અવયવોમાંથી લીવર એટલે કે યકૃતને લગતા રોગ સંબંધિત જાગૃતિ ફેલાવવાના આશયથી “વિશ્વ લીવર દિવસ”ની ઉજવણી થાય છે. આમ જોવા જઇએ તો મગજ પછી લીવર શરીરનો બીજો સૌથી મોટો અને જટીલ અંગ છે. જે પાચનતંત્રનું મુખ્યઅંગ છે. આપણા શરીરની ચયાપચનની ક્રિયામાં તમામ પદાર્થ લીવરમાંથી જ પસાર થાય છે.જેના પરથી જાણી શકાય કે શરીરમાં લીવરનું કેટલું મહત્વ છે. જીવત વ્યક્તિ કિડની અને લીવરના અંગોનું જ દાન કરી શકે છે. જ્યારે અન્ય અંગો વ્યક્તિ બ્રેઇનડેડ થાય ત્યાર બાદ જ શક્ય બને છે. વળી લીવરમાં સંપૂર્ણ લીવરનો અમૂક અંશ પણ જરૂરિયાત મુજબ દાન કરીને જરૂરિયાતમંદમાં પ્રત્યારોપણ કરી શકાય છે.
સિવિલ હોસ્પિટલમાં 54માં અંગદાનની વિગત જોઇએ તો સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના 20 વર્ષીય આશિષકુમાર છેનવાનું માર્ગ અક્સમાત થતા પરિવારજનો સારવાર માટે 16મી એપ્રિલના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇને આવ્યા હતા. માર્ગ અકસ્માતમાં આશિષકુમારને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી. ત્રણ દિવસની સારવાર બાદ અંતે આશિષભાઇ બ્રેઇનડેડ જાહેર થયા.સિવિલ હોસ્પિટલના SOTTO ની ટીમ દ્વારા આશિષભાઇના પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપતા તેઓએ અંગદાન માટે સંમતિ દર્શાવી. રીટ્રાઇવલ સેન્ટરમાં તબીબોના અથાગ પરિશ્રમના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી છે. જે સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં SOTTO અંતર્ગત પ્રત્યારોપણ માટે રજીસ્ટર કરાયેલ જરૂરિયાતમંદ પીડિત દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવી છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે, 19 મી એપ્રિલ એટલે કે વિશ્વ લીવર દિવસે સિવિલ હોસ્પિટલમાં થયેલ 54 અંગદાન થકી લીવરનું દાન મળ્યું છે. આમ જોઇએ તો અત્યાર સુધીમાં થયેલ 54 અંગદાનમાં અંગદાતાઓ દ્વારા કુલ 46 લીવરના દાન મળ્યા છે. જેને વર્ષોથી લીવરની પીડાના કારણે પીડાઇ રહેલા દર્દીમાં પ્રત્યારોપણ કરીને તેમને પીડામુક્ત કરવામાં આવ્યા છે.લીવરની સંભાળ રાખવા માટેઆલ્કોહોલિક પીણા અને જંકફૂડના સેવનથી દૂર રહેવાની ડૉ. જોષી સલાહ આપે છે. પ્રવર્તમાન સમયમાં લોકોમાં ફેટી લીવરના રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. વધુ પડતા ચરબી યુક્ત ખોરાક અને પ્રવર્તમાન જીવનશૈલીના કારણે ફેટી લીવર થતુ હોવાનું તબીબોનું માનવું છે. જેની સમયસર કાળજી રાખવામાં ન આવે તો લીવર સિરોસીસ થઇ જવાની કે લીવર ફેઇલ થઇ જવાની પણ સંભાવનાઓ રહેલી છે.