કોરોનાના ગ્રહણ બાદ બે વર્ષ પછી તહેવાર જેવું જોવા મળી રહ્યું છે. લોકોએ નવ દિવસ સુધી પાર્ટી પ્લોટમાં અને ગરબી મન મૂકીને ગરબાં કર્યા બાદ દશેરાના દિવસે ફાફડ-જલેબી, ઘારી અને ચોરાફળીની લિજ્જત માણી છે. ત્યારે ફેસ્ટિવલની આ રોનક ઓટો સેક્ટરમાં પણ જોવા મળી. દશેરાના દિવસે ગુજરાતમાં ખાસ કરીને મુખ્ય ચાર શહેરોમાં ટૂ વ્હીલર અને ફોર વ્હીલરનું સારું એવું વેચાણ નોંધાયું છે. ખાસ કરીને રાજ્યમાં લક્ઝુરિયસ કારનું રેકોર્ડબ્રેક વેચાણ થયું છે. એક આંકડા મુજબ દશેરાએ ગુજરાતમાં 100થી વધુ મર્સિડિઝ, BMW, AUDI જેવી અલ્ટ્રા-લક્ઝુરિયસ સહિત 10 હજાર કારનું વેચાણ થયું છે. જ્યારે 15 હજારથી વધુ ટુ-વ્હીલર શો રૂમમાંથી વેચાયાં છે. ટૂંકમાં બે વર્ષ બાદ ઓટો સેક્ટર સાથે સંકળાયેલા વેપારીઓને આ વખતના નવરાત્રીથી દશેરા ફળ્યાં છે, અને ઓટો શોરૂમવાળાઓને બખ્ખાં થયાં છે. ત્યારે ચાર મુખ્ય શહેરની વાત કરીએ તો…
અમદાવાદમાં દશેરાના દિવસે જ 35% વધુ વાહનો વેચાયાં
અમદાવાદમાં દશેરાના દિવસે ઓટો સેક્ટરનો ઘોડો દોડતાં, વાહનોના વેચાણમાં ગત વર્ષની તુલનામાં 30થી 35%નો વધારો જોવા મળ્યો. શહેરના વિવિધ શોરૂમમાંથી 6100 ટુ-વ્હીલર અને 2200 જેટલાં ફોર-વ્હીલરનું વેચાણ થયું છે. આમ તો નવરાત્રીની શરૂઆતથી જ ઓટો સેક્ટરમાં તેજી જોવા મળી રહી હતી, ત્યારે પ્રથમ નોરતાંથી દશેરા સુધીમાં 11,500 જેટલાં 2 વ્હીલર અને 3500 ફોર વ્હીલર વેચાયાં છે. જોકે ઈલેક્ટ્રિક વ્હીકલમાં ગત વર્ષ કરતાં આ વખતે થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
સુરતમાં ગાડીઓનું વેચાણ વધ્યું
સુરતમાં દશેરાના દિવસે 2500 કરતાં વધુ ટુ-વ્હીલર અને 1200 કરતાં વધુ ફોર વ્હીલરનું વેચાણ થયું છે. સુરતીલાલાઓએ દશેરાના દિવસે ડિલિવરી મળે તે રીતે બુકિંગ કરાવ્યું હતું, ત્યારે આ આંકડા મુજબ શહેરમાં આ વખતે ગાડીઓનું વેચાણ ખૂબ સારા પ્રમાણમાં થયું છે.
વડોદરામાં કુલ અંદાજિત 170 કરોડ રૂપિયાનાં વાહનો વેચાયાં
તો વડોદરામાં આ દશેરાએ લક્ઝુરિયસ કાર ખરીદવાનું વધુ પસંદ કર્યું હતું. દશેરાના દિવસે વડોદરા શહેરમાં 7 મર્સિડિઝ, 15 BMW સહિત 2300 કાર અને 4 હજાર ટુ વ્હીલરનું વેચાણ થયું છે. જેની અંદાજિત કુલ કિંમત 170 કરોડ રૂપિયા જેટલી થાય છે. નવરાત્રિ અને તેમાં પણ ખાસ દશેરાએ શુભ મૂહુર્તમાં વાહન ખરીદીવાનો ટ્રેન્ડ રહ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ટુ-વ્હીલરના વેચાણમાં 15% જેટલો વધારો નોંધાયો છે. આમ વડોદરા શહેરમાં મોંઘી સહિત મધ્યમ કિંમતની કાર, ટુ વ્હીલર સહિત કુલ અંદાજિત 170 કરોડ રૂપિયાનાં વાહનોનું વેચાણ થયું છે. ગત વર્ષે નવરાત્રી દરમિયાન વડોદરા શહેરમાં 5700 વાહન વેચાયાં હતાં.
રંગીલા રાજકોટમાં પણ 5 લાખથી 75 લાખની કારનું વેચાણ થયું
રાજકોટમાં દશેરાના એક જ દિવસમાં 1500 જેટલાં ફોર-વ્હીલર તથા 1000થી વધુ ટૂ-વ્હીલર વાહનોની ડિલિવરી કરવામાં આવી હતી. લાંબા સમયથી વાહનો ખરીદવા થયેલા એડવાન્સ બુકિંગ બાદ લોકોએ શુભમુહૂર્તમાં વાહનોની ડિલિવરી લીધી હતી. 5 લાખ રૂપિયાથી લઈ 75 લાખ સુધીની કાર્સનું દશેરાના દિવસે વેચાણ થયું હતું, જેમાં બે ઓડી અને મર્સિડીઝ જેવી સાત લકઝરી કાર પણ વેચાઈ છે.
દશેરાના પાવન પર્વે શુભ મુહૂર્તમાં લોકો બાઈક લેવા પણ બાઈકના શો-રૂમમાં ઉમટ્યા હતા. ઓટોમોબાઈલ શો-રૂમના માલિકોના જણાવ્યા પ્રમાણે, રાજકોટમાં 1000થી વધુ બાઈક વેચાયા હોવાનો અંદાજ છે.