વોર્મઅપ મેચ રમવા માટે ઓસ્ટ્રેલિયા પાસે પૂરા 11 ખેલાડીઓ પણ નથી!
28 મે, પોર્ટ ઓફ સ્પેન (ટ્રીનીદાદ): એક તરફ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ શરુ કરતા અગાઉ ફક્ત એક જ વોર્મઅપ મેચ રમશે તેની ટીકા થઇ રહી છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની હાલત તો તેનાથી પણ ખરાબ છે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ શરુ થતાં અગાઉ તેની બંને વોર્મઅપ મેચો રમવાનું છે પરંતુ તેની પાસે પૂરા 11 ખેલાડીઓ પણ નથી.
આટલું ઓછું હોય તેમ કેપ્ટન મીચ માર્શ પોતે નામિબિયા સામેની વોર્મઅપ મેચ ઈજાને કારણે નથી રમવાનો. મીચ માર્શે આ બાબતે કહ્યું હતું કે, ‘અમને ખબર છે કે અમારી પાસે ઓછા સંસાધનો છે. પણ એ ફક્ત પ્રેક્ટીસ ગેમ જ છે. કોણ આ મેચો રમશે અને કોણ નહીં તે અમે સમય આવ્યે નક્કી કરીશું.’
મીચ માર્શ પોતે પગની ઇજામાંથી ઈલાજ કરાવીને સાજો થઇ રહ્યો છે. આ ઈજાને કારણે જ માર્શ IPL વહેલી છોડીને જતો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા પાસે પૂરા 11 ખેલાડીઓ પણ ન હોવા પાછળનું કારણ એ છે કે અમુક ખેલાડીઓ હજી IPL પતાવીને વેકેશન ગાળવા કે પરિવાર સાથે એક અઠવાડિયું ગાળવા માંગે છે.
ટ્રેવીસ હેડ, પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક એ ખેલાડીઓમાં સામેલ છે. તો કેમરન ગ્રીન અને ગ્લેન મેક્સવેલ જે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સભ્યો હતા તેઓ બાર્બાડોઝમાં વેકેશન માણી રહ્યા છે અને માર્કસ સ્ટોઈનીસ જે લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમ્યો હતો તે કોઈ કારણોસર નામિબિયા સામેની વોર્મઅપ મેચ પતશે પછી જ ટ્રીનીદાદ પહોંચી શકશે.
IPLમાં ધમાકો કરી મૂકનાર બેટ્સમેન જેક ફ્રેઝર-મેકગર્ક અને મેટ શોર્ટ તો ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપની પહેલી મેચ જે 5 જૂને ઓમાન સામે છે તે પત્યા પછી જ વેસ્ટ ઇન્ડિઝ પહોંચવાના છે.
આનો મતલબ એવો થયો કે ઓસ્ટ્રેલિયા પોતાની બંને વોર્મઅપ મેચોમાં પૂરા 11 ખેલાડીઓ સાથે નહીં ઉતરી શકે. આથી ટીમના હેડ કોચ એન્ડ્રૂ મેકડોનાલ્ડ, અને અન્ય કોચ બ્રેડ હોજ અને જ્યોર્જ બેઇલી (ત્રણેય ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડીઓ છે) અને આન્દ્રે બોરોવેક જે એક સમયે ફર્સ્ટ ગ્રેડ વિકેટકીપર હતા તેમણે આ વોર્મઅપ મેચ રમવી પડશે.
જોકે મિચેલ માર્શે છેવટે મન મનાવતાં કહ્યું હતું કે, ‘છેવટે તો અમારી ટીમના 15 સભ્યો ભેગા થઇ જ જશે. એ પણ જરૂરી છે કે આવી મહત્વની ટુર્નામેન્ટ અગાઉ ખેલાડીઓ પોતાના પરિવારને મળી લે કે પછી વેકેશન ગાળીને ફ્રેશ થઇ જાય.’
ICCનો નિયમ કહે છે કે વોર્મઅપ મેચોમાં રમનાર ટીમના ખેલાડીઓ એ જ દેશનાં હોવા જોઈએ.