ચેમ્પિયન્સ ટ્રોફીના સેમીફાઇનલમાં પહોંચી ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન સાથેની મેચ વરસાદના લીધે રદ્દ


લાહોર, 28 ફેબ્રુઆરી : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચ નંબર-10માં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી. જો કે વરસાદના કારણે આ મેચ પૂર્ણ થઈ શકી ન હતી. 28 ફેબ્રુઆરી (શુક્રવાર)ના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 274 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 12.5 ઓવરમાં 1 વિકેટના નુકસાને 109 રન બનાવ્યા હતા. જે બાદ વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે રમત રમાઈ શકી ન હતી. મેચ ધોવાઈ જવાની સાથે ઓસ્ટ્રેલિયન ટીમ ચાર પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.
અફઘાનિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવું ઘણું મુશ્કેલ છે
બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમના હવે ત્રણ પોઈન્ટ થઈ ગયા છે. અફઘાન ટીમ હવે સેમિફાઈનલમાં ત્યારે જ પહોંચશે જો ઈંગ્લેન્ડ શનિવારે (1 માર્ચ) ના રોજ દક્ષિણ આફ્રિકાને મોટા માર્જિનથી હરાવશે. ત્યારપછી અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાના 3-3 પોઈન્ટ હશે અને સેમીફાઈનલનો નિર્ણય નેટ-રન રેટના આધારે કરવામાં આવશે.
મહત્વનું છે કે દક્ષિણ આફ્રિકાનો નેટ રન રેટ (+2.140) આ ટૂર્નામેન્ટની તમામ ટીમોમાં શ્રેષ્ઠ છે. આવી સ્થિતિમાં, અફઘાન ટીમ લગભગ આઉટ થઈ ગઈ છે, જેનો નેટ રન રેટ -0.990 છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમ આ ગ્રુપમાં 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે અને સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ એક મેચ જીતી હતી, જ્યારે તેની બે મેચ અનિર્ણિત રહી હતી.
દક્ષિણ આફ્રિકાના બે મેચમાં 3 પોઈન્ટ છે અને તે બીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાએ એક મેચ જીતી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા સાથેની તેની મેચ અનિર્ણિત રહી હતી. ત્રીજા સ્થાને રહેલી અફઘાનિસ્તાન ટીમના 3 મેચમાં 3 પોઈન્ટ છે અને તેનો નેટ રનરેટ (-0.990) છે. ચોથા નંબર પર ઈંગ્લિશ ટીમ છે, જેનું ખાતું પણ ખૂલ્યું નથી અને તે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો પહેલા જ ગ્રુપ Aમાંથી સેમીફાઈનલમાં જગ્યા બનાવી ચૂકી છે.