ઓસ્ટ્રેલિયાએ આયર્લેન્ડને 42 રનથી હરાવ્યું : કાંગારુઓની સેમિફાઇનલમાં પહોંચવાની આશા હજી જીવંત
T20 વર્લ્ડ કપના ઓસ્ટ્રેલિયાએ આયર્લેન્ડને 42 રને હરાવ્યું છે. બ્રિસ્બેનમાં રમાયેલી મેચમાં આયર્લેન્ડના કેપ્ટન એન્ડ્ર્યુ બાલબિર્નીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. ઓસ્ટ્રેલિયાએ બેટિંગ કરતાં 20 ઓવરના અંતે 5 વિકેટનાં નુકસાને 179 રન બનાવ્યા હતા. પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એરોન ફિન્ચે 44 બોલમાં 63 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસે 25 બોલમાં 35 અને મિચેલ માર્શે 28 રન બનાવ્યા હતા. જ્યારે આયર્લેન્ડ તરફથી બેરી મેકકાર્થીએ 29 રન આપી 3 વિકેટ અને જોશુઆ લિટલે 21 રન આપી 2 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : આફ્રિકા સામેની હારમાં પણ છે ભારતની જીતનું રહસ્ય, સેહવાગે આપ્યા સંકેત
ઓસ્ટ્રેલિયાની ઘાતક બોલિંગ સામે આયર્લેન્ડની ટીમ ઘુંટણીએ
જેનાં જવાબમાં 180 રનના ટાર્ગેટનો પીછો કરતા આયર્લેન્ડની ટીમ 18.1 ઓવરમાં જ 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયન બોલરો સામે ટીમનો કોઈપણ બેટ્સમેન ટકી શક્યાં નહોતા. ઓસ્ટ્રેલિયાની ઘાતક બોલિંગ સામે આયર્લેન્ડની અડધી ટીમ 25 રન પર જ પેવેલિયન પરત ફરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલ, એડમ ઝમ્પા, પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કે 2-2 વિકેટ લીધી હતી. આ સાથે જ માર્કસ સ્ટોઈનિસને પણ એક વિકેટ મળી હતી.
આયર્લેન્ડનો ફ્લોપ બેટિંગ ઓર્ડર
આયર્લેન્ડની બેટિંગની વાત કરીએ તો આયર્લેન્ડનો લોર્કન ટકર 71 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન બોલરો સામે આયર્લેન્ડનો કોઈપણ બેટ્સમેન ટકી શક્યો નહોતો. આયર્લેન્ડ તરફથી ગેરેથ ડેલની 14, માર્ક એડેર 11, પોલ સ્ટર્લિંગ 11, હેરી ટેક્ટર 6, કેપ્ટન એન્ડ્ર્યુ બાલબિર્ની 6, ફિઓન હેન્ડ 6, બેરી મેકકાર્થી 3, જોશુઆ લિટલ 1, કર્ટિસ નેફર અને જ્યોર્જ ડોકરેલ શૂન્ય રને પેવેલિયન પરત ફર્યા હતા.