PM મોદીને મળેલી 600થી વધુ ભેટોની હરાજી આજથી શરૂ, જાણો કિંમતો
- આ ભેટોમાં પેરાલિમ્પિક મેડલ વિજેતાઓના પગરખાં અને અન્ય વસ્તુઓથી લઈને રામ મંદિરની પ્રતિકૃતિ અને ચાંદીની વીણા પણ સામેલ છે
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી 600થી વધુ ભેટોની હરાજી આજે મંગળવારે તેમના જન્મદિવસ પર શરૂ થઈ રહી છે. આ હરાજી 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી ચાલશે. પેરાલિમ્પિક મેડલ વિજેતાઓના પગરખાં અને અન્ય વસ્તુઓથી લઈને રામ મંદિરની પ્રતિકૃતિ અને ચાંદીની વીણા સુધી, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટો અને સ્મૃતિચિહ્નોમાં સામેલ છે તેની હરાજી કરવામાં આવી રહી છે. સાંસ્કૃતિક પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે સોમવારે જણાવ્યું હતું કે, હરાજી માટે મૂકવામાં આવનારી આ વસ્તુઓની કુલ મૂળ કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા હશે.
🔹e-auction of over 600 Mementos and Gifts presented to Prime Minister Shri @narendramodi to begin from 17th September
⁰🔹A key feature of auction is sports memorabilia from Paralympic Games, 2024🔹Proceeds from the auction will be contributing to the Namami Gange Project pic.twitter.com/qdOCU4pmR4
— PIB Culture (@PIBCulture) September 16, 2024
‘600 રૂપિયાથી લઈને 8.26 લાખ રૂપિયા સુધીની કિંમત’
ગજેન્દ્રસિંહ શેખાવતે દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં વડાપ્રધાન દ્વારા મળેલા સ્મૃતિ ચિહ્નો દર્શાવતા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ ભેટોની હરાજી માટેની મૂળ કિંમત સરકારી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે અને તેની ઓછામાં ઓછી કિંમત 600 રૂપિયાથી લઈને વધુમાં વધુ કિંમત રૂ. 8.26 લાખ સુધીની છે. સંસ્કૃતિ મંત્રીએ કહ્યું કે, ‘આપણા વડાપ્રધાને તેમને મળેલી તમામ ભેટ અને સંભારણુંની હરાજી કરવાની નવી સંસ્કૃતિ શરૂ કરી છે. તેઓ મુખ્યમંત્રી તરીકે પણ આ કામ કરતા હતા.
‘આ પ્રકારની હરાજી છઠ્ઠી વખત હાથ ધરવામાં આવી’
મંત્રીએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીને મળેલી ભેટોને હરાજીના માધ્યમ દ્વારા લોકોને પરત આપવામાં આવે છે અને હરાજીમાંથી મળેલા નાણાંનો ઉપયોગ ‘ગંગાની સફાઈ’ માટે કરવામાં આવે છે. મંત્રીએ વધુમાં કહ્યું કે, “છઠ્ઠી વખત આવી હરાજી કરવામાં આવી રહી છે અને તેના માધ્યમથી એકત્ર કરવામાં આવેલું ફંડ રાષ્ટ્રીય ગંગા ફંડમાં દાન કરવામાં આવશે. આ વખતે વડાપ્રધાન મોદી દ્વારા છેલ્લા એક વર્ષમાં ભેટ તરીકે મળેલી લગભગ 600 વસ્તુઓની હરાજી કરવામાં આવશે. આ ભેટ pmmementos.gov.in પર જઈને ખરીદી શકાય છે.
આ વસ્તુઓની કિંમત લગભગ 5.50 લાખ રૂપિયા
જેની વસ્તુઓની આધાર કિંમત સૌથી વધુ રાખવામાં આવી છે તેમાં પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા નિત્યા શ્રી સિવન અને સુકાંત કદમના બેડમિન્ટન રેકેટ અને સિલ્વર મેડલ વિજેતા યોગેશ ખાતુનિયાની ‘ડિસ્કસ’નો સમાવેશ થાય છે. તેમની મૂળ કિંમત લગભગ 5.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અજીત સિંહ, સિમરન શર્મા અને સિલ્વર મેડલિસ્ટ નિષાદ કુમાર દ્વારા ગિફ્ટમાં આપવામાં આવેલા શૂઝ સિવાય સિલ્વર મેડલ વિજેતા શરદ કુમાર દ્વારા હસ્તાક્ષર કરાયેલી કેપની બેઝ પ્રાઈસ લગભગ 2.86 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
રામ દરબારની મૂર્તિની કિંમત રૂ. 2.76 લાખ
રામ મંદિરની પ્રતિકૃતિ જેની કિંમત રૂ. 5.50 લાખ છે, મોરની પ્રતિમા જેની કિંમત રૂ. 3.30 લાખ છે, રામ દરબારની પ્રતિમા જેની કિંમત રૂ. 2.76 લાખ છે અને ચાંદીની વીણા જેની કિંમત રૂ. 1.65 લાખ છે, તેમજ ઊંચી બેઝ પ્રાઈસ ધરાવતી અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. સૌથી ઓછી આધાર કિંમતની ભેટોમાં કોટન અંગવસ્ત્રમ, ટોપી અને શાલનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 600 છે. હરાજી 17 સપ્ટેમ્બર આજે, વડાપ્રધાન મોદીના જન્મદિવસે શરૂ થશે અને 2 ઓક્ટોબરે સમાપ્ત થશે.
આ પણ જૂઓ: વન નેશન વન ઈલેક્શન : ક્યાં રાજ્યોમાં કેવી રીતે બદલશે ચૂંટણી શેડયૂલ, જુઓ