- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 8,430 કેસ
- વાહન પાછળ દોડતાં કૂતરાને લીધે સર્જાતા અકસ્માતની સંખ્યા પણ વધી
- કુતરુ કરડે એ સ્થિતિમાં રેબિસ વેક્સિન લેવી જરૂરી બની જાય છે
અમદાવાદીઓ સાવધાન, રખડતાં શ્વાનના કરડવાના કેસનો આંકડો જાણી ચોંકી જશો. જેમાં શહેરમાં રોજના દોઢસોથી વધુ લોકો શિકાર બની રહ્યાં છે. નવેમ્બરથી ફેબ્રુઆરીમાં ગલુડિયાના જન્મની સિઝન વખતે વધુ કેસ સામે આવે છે. વહેલી સવારે, રાતે વાહન પાછળ દોડતાં કૂતરાને લીધે સર્જાતા અકસ્માતની સંખ્યા પણ વધી છે. છેલ્લા એક વર્ષમાં 55,600થી વધુ લોકોને કૂતરા કરડી ગયા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં બેવડી ઋતુની અસર, કમોસમી વરસાદ અંગે જાણો શું છે આગાહી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 8,430 કેસ
અમદાવાદ શહેરમાં ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023ના છેલ્લા એક વર્ષના અરસામાં અંદાજે 55,600થી વધુ લોકોને કૂતરા કરડી ગયા છે, એકંદરે રોજ દોઢસોથી વધુ લોકો કૂતરાનો આતંકનો શિકાર બની રહ્યા છે. એકલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 8,430 જ્યારે સોલા સિવિલમાં એક વર્ષમાં 8012 લોકોને કૂતરા કરડવાના કેસમાં સારવાર આપવામાં આવી છે. આમ એક વર્ષમાં બે સિવિલ હોસ્પિટલમાં જ રોજના 45 જેટલા દર્દીઓ નોંધાયા છે, મોટા ભાગના કેસમાં નાની વયના બાળકોની સંખ્યા વધુ પ્રમાણમાં છે.
આ પણ વાંચો: ગુજરાત: વેપારીઓ પર SGSTના દરોડા, રૂ. 22 કરોડની કરચોરી પકડાઈ
સૌથી વધુ ડિસેમ્બર 2022માં 1095, જાન્યુઆરી 2023માં 1,040 કેસ થયા
અમદાવાદ સિવિલમાં ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023ના અરસામાં કુતરા કરડવાના કેસમાં જે દર્દી નોંધાયા છે તેમાં સૌથી વધુ ડિસેમ્બર 2022માં 1095, જાન્યુઆરી 2023માં 1,040 કેસ છે. ઓગસ્ટ 2023માં 770 અને સપ્ટેમ્બર 2023માં 895 કેસ છે. સોલા સિવિલમાં પણ ડિસેમ્બરમાં 920 જેટલા કેસ સામે આવ્યા છે. સોલા સિવિલમાં માત્ર બાળ દર્દીની વાત કરાય તો એપ્રિલ 2023માં 407, મે મહિનામાં 404, જુલાઈમાં 333 અને ઓગસ્ટમાં 290 બાળકોને કુતરા કરડવાના કેસમાં સારવાર આપવામાં આવી હતી.
કુતરુ કરડે એ સ્થિતિમાં રેબિસ વેક્સિન લેવી જરૂરી બની જાય છે
તબીબોનું કહેવું છે કે, મોટે ભાગે નવેમ્બરથી ફેબ્રુઆરીમાં ગલુડિયાઓના જન્મની સિઝન હોય છે, માદા શ્વાન પોતાના બચ્ચાં માટે વધુ સજાગ હોય છે એટલે એ અરસામાં કૂતરા કરડવાના વધુ કેસ આવતાં હોય છે. કુતરુ કરડે એ સ્થિતિમાં રેબિસ વેક્સિન લેવી જરૂરી બની જાય છે. રસ્તાઓ પર રખડતાં કુતરાઓનો આંતક હજુ એવો જ છે, વહેલી સવારે અને રાતે કૂતરા વાહન પાછળ દોડતાં હોય છે, જેના કારણે વાહન અકસ્માતના કેસ બનતાં હોય છે. શેરી, પોળ, સોસાયટી વગેરે ખાતે રમતાં બાળકોને કૂતરાઓએ બચકાં ભર્યા હોવાના પણ બનાવો બનતાં રહે છે.