ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ન્યાયતંત્રને નબળું પાડવાના થઈ રહ્યા છે પ્રયાસો: 21 નિવૃત્ત ન્યાયાધીશોનો CJI ચંદ્રચુડને પત્ર

  • ન્યાયિક વ્યવસ્થામાં લોકોના વિશ્વાસને નબળો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે: પત્ર 

નવી દિલ્હી, 15 એપ્રિલ: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડને 21 નિવૃત્ત ન્યાયાધીશોએ પત્ર લખ્યો છે. જેમાં આ નિવૃત્ત ન્યાયાધીશો દ્વારા કેટલાક લોકો પર ન્યાયતંત્રને કમજોર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘કેટલાક ગ્રુપ દબાણ બનાવી, ખોટી માહિતી ફેલાવી અને જાહેરમાં અપમાન કરીને ન્યાયતંત્રને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે આ અંગે અમારી સામાન્ય ચિંતા વ્યક્ત કરીએ છીએ. અમારા ધ્યાનમાં આવ્યું છે કે, સંકુચિત રાજકીય હિતો અને અંગત લાભોથી પ્રેરિત આ તત્વો આવા કૃત્યો કરી રહ્યા છે. તેઓ આપણી ન્યાયિક વ્યવસ્થામાં લોકોના વિશ્વાસને નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.” જો કે, આ નિવૃત્ત ન્યાયાધીશોએ કઈ ઘટનાઓ અંગે CJIને પત્ર લખ્યો છે તે વિશે જણાવ્યું નથી. ભ્રષ્ટાચારના મામલામાં કેટલાક વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહીને લઈને સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ચાલી રહેલા શબ્દયુદ્ધ વચ્ચે આ પત્ર લખવામાં આવ્યો છે.

પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, “અમે ખાસ કરીને ખોટી માહિતી અને ન્યાયતંત્ર સામે લોકોની લાગણીઓને ભડકાવવાની યુક્તિઓથી ચિંતિત છીએ. આમ કરવું માત્ર અનૈતિક નથી, પણ આપણા લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો માટે પણ નુકસાનકારક છે. નિવૃત્ત ન્યાયાધીશો દ્વારા લખવામાં આવેલા પત્રમાં આ અંગે વિગતવાર ખુલાસો કરવામાં આવ્યો છે.” પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “કોર્ટના નિર્ણયો જે કોઈના મંતવ્યો સાથે સુસંગત હોય… તેની પ્રશંસા કરવામાં આવે છે. પરંતુ, તેમની વિચારસરણી વિરુદ્ધના નિર્ણયોની ભારે ટીકા થઈ રહી છે. આમ કરવું એ ન્યાયિક સમીક્ષા અને કાયદાના શાસનને નબળું પાડવાનો પ્રયાસ છે.”

ભૂતપૂર્વ ન્યાયાધીશોમાંથી કોણે CJIને પત્ર લખ્યા હતા?

પત્રમાં આગળ લખવામાં આવ્યું હતું કે, ‘અમે ન્યાયતંત્ર સાથે ખભે ખભો મિલાવીને ઊભા છીએ. તેની ગરિમા અને નિષ્પક્ષતા જાળવવા માટે દરેક પ્રકારની મદદ પૂરી પાડવામાં આવશે. આ પડકારજનક સમયમાં તમારું માર્ગદર્શન અને નેતૃત્વ ન્યાય અને સમાનતાના આધારસ્તંભ તરીકે ન્યાયતંત્રનું રક્ષણ કરશે, અમે એવી આશા રાખીએ છીએ. એ વાત મહત્ત્વપૂર્ણ છે કે, જેમણે આ પત્ર લખ્યો છે તેમાં સુપ્રીમ કોર્ટના 4 પૂર્વ જસ્ટિસ (દીપક વર્મા, કૃષ્ણ મુરારી, દિનેશ મહેશ્વરી અને એમ.આર. શાહ) પણ સામેલ છે. આ સિવાય 17 ભૂતપૂર્વ ન્યાયાધીશો વિવિધ હાઈકોર્ટ સાથે સંકળાયેલા છે. જેમાં પ્રમોદ કોહલી, એસ.એમ. સોની, અંબાદાસ જોષી, એસ.એન. ઢીંગરા, આર.કે.ગૌબા, જ્ઞાન પ્રકાશ મિત્તલ, અજિત ભરિહોકે, રઘુવેન્દ્ર સિંહ રાઠોડ, રમેશ કુમાર મેરુતિયા, કરમચંદ પુરી, રાકેશ સક્સેના અને નરેન્દ્ર કુમાર છે. આ યાદીમાં હાઈકોર્ટના પૂર્વ જજ એવા રાજેશ કુમાર, એસ.એન. શ્રીવાસ્તવ, પી.એન. રવીન્દ્રન, લોકપાલ સિંહ અને રાજીવ લોચનના નામ પણ સામેલ છે.

આ પણ જુઓ: બાબા અમરનાથના દર્શન કરવા માટે થઈ જાઓ તૈયાર, આજથી રજીસ્ટ્રેશન થયું શરૂ

Back to top button