તમિલનાડુમાં ગર્ભવતી મહિલા પર બળાત્કારનો પ્રયાસ, વિરોધ કરતા ચાલું ટ્રેનમાંથી ધક્કો માર્યો


કોઈમ્બતુર, 7 ફેબ્રુઆરી : તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ગુરુવારે એક વ્યક્તિએ ગર્ભવતી મહિલાને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી. મહિલાનો માત્ર એટલો જ વાંક હતો કે તે તેના પર બળાત્કારના પ્રયાસનો વિરોધ કરી રહી હતી. મહિલાએ આ ઘટનાનો વિરોધ કરતા જ આરોપીએ તેને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હતો. આ ઘટના ગુરુવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ બની હતી. પીડિત મહિલા કોઈમ્બતુર-તિરુપતિ ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન દ્વારા તિરુપુરથી આંધ્રપ્રદેશના ચિત્તૂર જઈ રહી હતી. ઘટના સમયે તે એકલી મુસાફરી કરી રહી હતી.
ટ્રેનમાં ગર્ભવતી મહિલા પર બળાત્કારનો પ્રયાસ
સગર્ભા મહિલાની ટિકિટ કન્ફર્મ નહોતી. તે સવારે લગભગ 6.40 વાગે ટ્રેનમાં ચડી અને લેડીઝ કોચમાં બેસી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે તે સમયે કોચમાં વધુ આઠ મહિલાઓ પણ બેઠી હતી. સવારે લગભગ 10:15 વાગ્યે ટ્રેન જોલારપેટ્ટાઈ રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે બાકીની મહિલાઓ કોચમાંથી નીચે ઉતરી ગઈ હતી. પીડિતા ત્યાં એકલી પડી હતી.
ચાલતી ટ્રેનમાંથી મહિલાને ફેંકી દેવાઈ
જેવી ટ્રેન ચાલવા લાગી કે 27 વર્ષનો હેમરાજ કોચમાં ચડ્યો હતો. થોડીવાર ત્યાં બેસી રહ્યો હતો. જ્યારે તેણે મહિલાને સંપૂર્ણપણે એકલી જોઈ તો તેણે તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે પીડિતાએ તેને લાત મારીને ઘટનાનો વિરોધ કર્યો તો આરોપીએ તેને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી હતી. આ ઘટનામાં મહિલાને હાથ, પગ અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. અધિકારીઓએ તેને તાત્કાલિક વેલ્લોરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી.
બળાત્કારનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ
મળતી માહિતી મુજબ, અકસ્માત સમયે ગર્ભવતી મહિલા તેના મામાના ઘરે જઈ રહી હતી. પીડિતાના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે આરોપી હેમરાજ એક રીઢો ગુનેગાર છે. તે આવા અન્ય એક કેસમાં પણ સંડોવાયેલ છે. તેની અગાઉ પણ હત્યા અને લૂંટના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો :- મતદારો વધારીને ગેરરીતિથી મહારાષ્ટ્રની ચૂંટણી જીતી : રાહુલ ગાંધીનો મોટો આરોપ