ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
પ્રયાગરાજ હિંસાની કાર્યવાહીનો બદલો મોરબીમાં લેવા થયો પ્રયાસ, જાણો શું થયું હતું ?
મોરબીમાં પખવાડિયા પહેલા મોડીરાત્રે વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ટ્રેનના પાઇલોટની સમય સૂચકતાથી દુર્ઘટના અટકી હતી. આ ઘટનામાં રાજકોટ રેલવે પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સ આધારે 2 આરોપીની ધરપકડ કરી છે અને તેઓની પુછપરછમાં બંન્નેએ પ્રયાગરાજ હિંસા મામલે સીએમ યોગીએ કરેલી કાર્યવાહીનો બદલો લેવા માટે આ કાવતરૂ ઘડ્યું હોવાનું ખુલતાં સૌ કોઈ ચોંકી ગયા હતા.
રેલવે ટ્રેક ઉપર ઈટ-પથ્થરનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો
આજથી 11 દિવસ પહેલા વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન સર્વિસ માટે મોરબી આવી હતી અને બાદમાં રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં ડેમુ ટ્રેનની સર્વિસ થઇ જતા મુસાફર વગરની ખાલી ડેમુ ટ્રેનને વાંકાનેર રેલવે સ્ટેશન જવા માટે રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન પોણા ચાર વાગ્યાના અરસામાં ડેમુ ટ્રેન મકનસર-વાંકાનેર સ્ટેશન વચ્ચે આવતા ડેમુ ટ્રેનના ચાલક સલીમભાઇ મન્સુરીને રેલવે ટ્રેક પર નડતરરૂપ વસ્તુઓ પડી હોવાનું જોવા મળ્યું હતું. જેથી ચાલક સલીમભાઇએ સતર્કતા દાખવી ડેમુ ટ્રેનની ઇમર્જન્સી બ્રેક મારી દીધી હતી. જેને કારણે બ્રોડગેજ લાઇનની ટ્રેક પર પડેલા જથ્થા સાથે ડેમુ ટ્રેનનું એન્જિન અથડાઇને ઊભું રહી ગયું હતું.
ગંભીર ઘટના અંગે રાજકોટ રેલવે એન્જિનિયર કંટ્રોલ રૂમને જાણ કરાઈ
આ ગંભીર ઘટના અંગે સલીમભાઇએ રાજકોટ રેલવે એન્જિનિયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. આ બનાવમાં રેલવે ટ્રેકને કોઇ નુકસાન થયું ન હતું. રેલવે ટ્રેકનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ પાંચ વાગ્યે ડેમુ ટ્રેનને વાંકાનેર રેલવે સ્ટેશન માટે રવાના કરી હતી. હાલ આ મામલે રેલવે અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા રેલવે પોલીસે ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સ આધારે આરોપીઓની ધરપકડ
જેમાં રેલવે પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સ આધારે આરોપી અકબર ઉર્ફે દાઉદ મિયાણા અને મગન લક્ષમણ કોળીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઉત્તરપ્રદેશમાં CM યોગી દ્વારા પ્રયાગરાજ હિંસાના મુખ્ય આરોપીના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતું. પ્રયાગરાજ હિંસાની આ ઘટનામાં બદલો લેવા અકબર ઉર્ફે હક્કો દાઉદ મિયાણા અને લક્ષમણ મગન ઈશોરાએ ટ્રેન ઉથલાવી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.