

રાજકોટઃ શહેરના જાણીતા ડોક્ટર દંપતીના સગીર પુત્રનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, કયા કારણોસર અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે જાણી શકાયું નથી. હાલ આ મામલે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર દંપતીનએ ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના નિર્મલા રોડ પર રહેતા તબીબ દંપતીના સગીર પુત્રનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડો.જીગ્નેશ ખંધડિયા તેમજ ડો.હેમા ખંધડિયાના 16 વર્ષીય પુત્રને ઘરના દરવાજેથી જ ઉઠાવી જવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, ડોક્ટર દંપતીના પુત્રને કુરિયર આવ્યું છે તેમ કહી બહાર બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને પકડીને ઇકો કારમાં નાંખવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારે 16 વર્ષીય દીકરાએ ત્રણેય શખસોનો હિંમતભેર સામનો કર્યો હતો અને તેમની ચૂંગાલમાંથી છૂટી ગયો હતો. હાલમાં ડોક્ટર દંપતીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તેમણે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.
હાલ પોલીસે ખંડણી માગવાના ઇરાદે અરહરણનો પ્રયાસ કર્યો છે કે અન્ય કોઈ કારણોસર અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલ આ દંપતીએ મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે.