આપ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર હુમલાઓ સાંખી લેવાશે નહિ : ભેમાભાઈ ચૌધરી


પાલનપુર, રાજ્યમાં ‘આપ’ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર અવાર નવાર કરાતા હુમલાઓને લઈને સોમવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ બનાસકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ગુંડા તત્વો સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.
‘આપ’ પાર્ટીના નેતા ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સુરતમાં ચૂંટાયેલા ૨૭ જેટલા કાઉન્સીલરો જનહિતમાં કાર્ય કરી રહ્યા છે. અને લોકોના પ્રશ્નોનું નિવારણ લાવી રહ્યા છે. ત્યારે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર ભાજપના કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલાઓ કરાઇ રહ્યા છે. આ અંગે પોલીસ ફરિયાદ કરાય તો પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલું જ નહીં આમ આદમી પાર્ટીની ફરિયાદ સામે ભાજપના અસામાજિક તત્વો પણ ફરિયાદ કરવા આવી જાય છે. જેને લઇને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટરને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ભેમાભાઈ ચૌધરી, લોકસભા પ્રમુખ વિજય દવે, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ડો. રમેશ ચૌધરી, સંગઠન મંત્રી સુભાષભાઈ ઠક્કર અને અન્ય કાર્યકરોએ આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવા માટે માગણી કરી હતી.