પંજાબી સિંગર AP ધિલ્લોનના ઘરે ફાયરિંગ કરનાર હુમલાખોરની ધરપકડ, બીજાએ બદલ્યો દેશ
- આ મામલે પોલીસ નિવેદન ફરી એકવાર ભારત-કેનેડા સંબંધોને અસર કરી શકે છે
કેનેડા, 1 નવેમ્બર: પંજાબી સિંગર AP ધિલ્લોનના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં કેનેડિયન પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ અભિજીત કિંગડા છે. જો કે, પોલીસ નિવેદન ફરી એકવાર ભારત-કેનેડા સંબંધોને અસર કરી શકે છે. તે જ સમયે, પોલીસનું કહેવું છે કે, બીજો આરોપી ભારત ભાગી ગયો છે. બીજા આરોપીની ઓળખ વિક્રમ શર્મા તરીકે થઈ છે. 1 અને 2 સપ્ટેમ્બરની રાત્રે AP ધિલ્લોનના ઘરે ગોળીબાર થયો હતો. કેનેડામાં તેના બંગલા પર બે લોકોએ ફાયરિંગ કર્યું હતું અને વાહનોને આગ ચાંપી દીધી હતી.
આ ફાયરિંગની જવાબદારી લોરેશ બિશ્નોઈ-ગોલ્ડી બરાર, રોહિત ગોદારા ગેંગે લીધી હતી. આ હુમલાની જાણકારી આપતી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. હવે પોલીસે બે મહિના બાદ એક આરોપીની ધરપકડ કરી છે.
AP ધિલ્લોન સાથે જ્વેલરને પણ નિશાન બનાવ્યો
જે દિવસે હુમલાખોરોએ AP ધિલ્લોનના ઘર પર ગોળીબાર કર્યો હતો. તે જ દિવસે કેનેડામાં એક જ્વેલર્સના બંગલાની બહાર પણ ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગની જવાબદારી પણ ગોલ્ડી અને રોહિત ગોદારા ગેંગે લીધી હતી. કેનેડા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. કેનેડા પોલીસે અભિજીત કિંગડાની કેનેડાના ઓન્તારિયોમાંથી ધરપકડ કરી છે. અભિજીત વિનીપેગ વિસ્તારમાં રહે છે. જોકે ફાયરિંગની ઘટના કૂલવુડ વિસ્તારમાં બની હતી.
બંને દેશો વચ્ચેના સંબંધો પર પડી શકે છે અસર
તાજેતરમાં કેનેડા સરકાર દ્વારા આતંકવાદી નિજ્જરની હત્યાને લઈને ભારત પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. હવે કેનેડા પોલીસે AP ધિલ્લોનના ઘરે ફાયરિંગના કેસમાં અભિજીતની ધરપકડ કરી છે. તે ભારતનો રહેવાસી છે. આ સિવાય વિક્રમ શર્મા પણ ભારતીય મૂળનો છે. કેનેડિયન પોલીસે કહ્યું છે કે, તેમની પાસે વિક્રમ શર્માનો ફોટો નથી, પરંતુ એવો પણ દાવો કર્યો છે કે, વિક્રમ ભારત ભાગી ગયો છે. આવી સ્થિતિમાં જો ભારત પર ફરી આરોપો લગાવવામાં આવશે તો બંને દેશોના સંબંધો વધુ બગડી શકે છે.
આ પણ જૂઓ: ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓને આકરા શબ્દોમાં વખોડી કાઢી, જાણો શું કહ્યું?