પેરિસઃ ફ્રાન્સની રાજધાની પેરિસમાં વિશ્વની સૌથી રહસ્યમય, મોંઘી અને લોકપ્રિય તસવીર મોનાલિસા પર એક દર્શકે હુમલો કર્યો હતો. હુમલાખોરે પહેલાં આ પેઇન્ટિંગ પર કેક લગાવી હતી અને પછી તસવીરને સુરક્ષિત રાખવા માટે લગાવેલા કાચને તોડવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક થયેલા આ હુમલામાં પેઈન્ટિંગને કોઈ નુકસાન થયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીએ પર્યાવરણના નામે પબ્લિસિટી સ્ટંટ કરવા માટે આ હુમલો કર્યો હતો.
Can anybody translate what ole dude was saying as they where escorting him out????? pic.twitter.com/Uy2taZ4ZMm
— Lukeee???? (@lukeXC2002) May 29, 2022
પેરિસના એક ઓફિસરે આ મામલે જણાવતા કહ્યું હતું કે, રવિવારની ઘટના બાદ 36 વર્ષીય વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેને પોલીસના સાઇકિયાટ્રિક યુનિટમાં મોકલવામાં આવ્યો છે. સાંસ્કૃતિક કલાકૃતિને નુકસાન પહોંચાડવાના આરોપમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિગ પહેરેલી વ્યક્તિ વ્હીલ ચેર પર બેસી ત્યાં પહોંચી હતી અને તેણે લિપસ્ટિક પણ કરી હતી.
‘લોકો પૃથ્વીનો નાશ કરવાની તૈયારીમાં છે‘
આરોપી વ્યક્તિએ મ્યુઝિયમની ગેલેરીમાં ગુલાબ પણ ફેંક્યા હતા. આરોપીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. હુમલાખોરે પહેલાં પોતાને વૃદ્ધ મહિલા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો અને પછી અચાનક વ્હીલચેર પરથી ઊભો થઈ ગયો. આ પછી તેણે મોનાલિસાની બુલેટપ્રૂફ તસવીર પર હુમલો કર્યો હતો. તેણે તસવીર પર કેક પણ લગાવી હતી. હુમલાખોરે કહ્યું કે તે પર્યાવરણીય કાર્યકર્તા છે અને વિરોધ પ્રદર્શિત કરવા તેણે પેઇન્ટિંગ પર કેક લગાવી હતી.
હુમલાખોરે કહ્યું, ‘પૃથ્વી વિશે વિચાર કરો. લોકો પૃથ્વીનો નાશ કરવાની પ્રક્રિયામાં છે. કલાકારો ધરતી વિશે વિચારે છે અને તેથી જ મેં આ કર્યું છે. પૃથ્વી વિશે વિચારો.’ મહત્ત્વનું છે કે, આ પેઇન્ટિંગ લગભગ 500 વર્ષ પહેલાં પ્રખ્યાત ચિત્રકાર લિયોનાર્ડો દી વિન્સી દ્વારા બનાવવામાં આવી હતી. વિન્સીએ વર્ષ 1503માં આ પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું હતું અને 14 વર્ષ બાદ આ પેઇન્ટિંગ તૈયાર થઇ હતી. આ પહેલાં પણ મોનાલિસાની પેઈન્ટિંગ પર હુમલા થઈ ચૂક્યા છે. આટલું જ નહીં વર્ષ 1911માં આ પેઇન્ટિંગ એક કર્મચારીએ ચોરી લીધી હતી.
માત્ર મોનાલિસાના હોઠ બનાવવામાં 12 વર્ષ લાગ્યા હતા
મોનાલિસા એટલે મારી સ્ત્રી. તે માત્ર એક પેઇન્ટિંગ જ નહીં પણ પોતાનામાં એક રહસ્ય પણ છે. આ તસવીરની સૌથી મોટી ખાસિયત તેની સ્માઈલ છે. આના પર અત્યાર સુધી દુનિયાભરમાં અનેક સંશોધનો થયા છે. મોનાલિસા પેઈન્ટિંગમાં બનાવેલા ચહેરા પરનું સ્મિત દરેક ખૂણેથી અલગ-અલગ એન્ગલમાં દેખાય છે. શરૂઆતમાં તે ખૂબ જ દેખાય છે, પછી ધીમે ધીમે તે વિલીન થવા લાગે છે, આખરે તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. લિયોનાર્ડો દી વિન્સીને માત્ર મોનાલિસાના હોઠ બનાવવામાં 12 વર્ષ લાગ્યા હતા.