અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ATSનો ખુલાસોઃ આતંકી નુસરત મુંબઈ એરપોર્ટ પર બે વખત ગોલ્ડ સ્મગલિંગમાં પકડાયો હતો

અમદાવાદ, 22 મે 2024, ગુજરાત ATSએ 19 મે, 2024ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીલંકાથી ચેન્નઈ અને ચેન્નઈથી અમદાવાદ આવેલા ચાર આતંકવાદીને ઝડપી લીધા હતા. ત્યાર બાદ ચારેય આતંકીને 20 મેના રોજ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ATSને આ આતંકીઓ પાસેથી મળેલા મોબાઈલ ફોનમાંથી તમિળ ભાષામાં બનેલો એક વીડિયો મળી આવ્યો છે. આ વીડિયોમાં ચારેય આતંકી મોહંમદ નુસરત, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન અને મોહંમદ ફરીસ સાથે ઊભા છે તેમજ પાકિસ્તાન બેઠેલો તેનો આકા અને ISISનો હેન્ડલર એવો અબુ બ્રેઇન વોશ કરતો જોવા મળી રહ્યો છે.

આતંકવાદીઓ ગોલ્ડ સ્મગલિંગ અને ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા છે
બીજી તરફ ATSએ એવો ખુલાસો કર્યો છે કે, આ ચાર આતંકીઓમાંથી નુસરત અને નાફરાન 38થી 40 વખત ભારતમાં આવ્યાં હતાં. ATSના SP સુનિલ જોષીએ કહ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટથી પકડાયેલા ચાર આતંકવાદીઓમાંથી બે નુસરત અને નાફરાન 38થી 40 વખત ભારતમાં આવ્યાં હતાં. હાલમાં પ્રોટોન મેઈલ અને સિગ્નલ એપ્લિકેશનની તપાસ ચાલી રહી છે. તેમના ઓરિજિનલ નંબર મેળવવા પણ પ્રયાસો શરૂ કરી દેવાયાં છે. SP સુનિલ જોષીએ કહ્યું હતું કે, આતંકી નુસરત મુંબઈ એરપોર્ટ પર બે વખત ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પકડાયો છે અને શ્રીલંકામાં મારામારી તથા ડ્રગ્સના કેસમાં પણ પકડાયો હતો.

ATS દ્વારા તેમનો ટાર્ગેટ કોણ હતો તેની તપાસ શરૂ કરી દેવાઈ
તે ઉપરાંત મોહમ્મદ ફારિસની પણ શ્રીલંકામાં ડ્રગ્સના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. નાફરાન નામનો આતંકી અગાઉ ડ્રગ્સ અને ગોલ્ડ સ્મગલિંગ કરતો હોવાનું પુછપરછમાં જણાવ્યું છે. જ્યારે રસદીન સામે શ્રીલંકામાં ચોરી અને ડ્રગ્સના ગુના નોંધાયા છે. આ ચારેય આતંકી ISISમાં જોડાયા બાદ પહેલી વખત ભારત આવ્યા હતાં. હાલમાં ATS દ્વારા તેમનો ટાર્ગેટ કોણ હતો તેની તપાસ શરૂ કરી દેવાઈ છે. આ ચારેય આતંકીઓએ અમદાવાદ આવ્યા બાદ એક સામાન્ય હોટેલમાં રોકાવાનું નક્કી કર્યું હતું. તેમને જ્યાંથી હથિયાર મળવાના હતાં તે હથિયાર મળ્યા બાદ તે અંગેની તપાસ પણ જોરશોરથી શરૂ કરી દેવાઈ છે. જે જગ્યાએ હથિયાર મુકાયા હતાં તેનું લોકલ કનેક્શન અને ટોલટેક્સથી લઈને મોબાઈલના ડેટાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ચારેય જણાએ આત્મઘાતી હૂમલો કરવાની શપથ લેતો વીડિયો બનાવ્યો હતો તેની પણ તપાસ ચાલુ કરાઈ છે.

આ પણ વાંચોઃગુજરાતઃ નકલી સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ બનાવતી યુનિટ પર દરોડા

Back to top button