ગુજરાતમાં ઘણા દિવસથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. આ કડીમાં કચ્છના જખૌ ખાતે 280 કરોડ ડ્રગ્સ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જખૌના દરિયામાંથી ગત 26 એપ્રિલે 280 કરોડની કિંમતના 56 કિલો હેરોઇનના જથ્થા સાથે 9 પાકિસ્તાની શખ્સોને ગુજરાત ATSની ટીમે ઝડપી પાડયા હતા. જખૌ બંદર ઉપરથી ઝડપાયેલ 280 કરોડના મુખ્ય સુત્રધાર રાજી હૈદરની ATSએ ધરપકડ કરી છે. આ અગાઉ દિલ્હીના નાગરિક અને અફઘાની નાગરિક ઝડપાયા બાદ હવે ડ્રગ્સ મંગાવનારા મુખ્ય સૂત્રધાર એવા રાજી હૈદરનો કબ્જો પણ ATSની ટુકડીએ મેળવી લીધો છે.
ટ્રાન્ઝિટ વોરંટના આધારે મુખ્ય આરોપી રાજી હૈદર અને તેના સાગરીતને ભુજ NDPS કોર્ટમાં રજૂ કરાતા બંનેના 14 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. પૂછપરછમાં 280 કરોડનું ડ્રગ્સ કરાંચી બંદરથી મુસ્તફા અયુબ મિયાણાએ મોકલાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં 9 પાકિસ્તાની સાથે એક અફઘાની અને ભારતના નાગરિક સહિત કુલ 11 આરોપીઓ ભુજના પાલારા જેલની હવા ખાઈ રહ્યા છે.
કેવી રીતે પાર પાડ્યું હતું સમગ્ર ઓપરેશન?
પાકિસ્તાનના કરાંચી બંદ૨થી 55 પેકેટ હેરોઇન સાથે અલ હજ નામની યાંત્રિક બોટ નીકળી હતી અને તે અંગે ATS ગુજરાતને બાતમી મળી હતી. જે સંદર્ભે ATS તેમજ કોસ્ટગાર્ડ કચ્છ અને આસપાસના અ૨બી સમુદ્ર ક્ષેત્રમાં જબરૂ પેટ્રોલીંગ ગોઠવી દેવાયુ હતું અને દરેક જહાજો તથા માછીમાર બોટની પણ તલાશી લેવામાં આવતી હતી. આ ઉપરાંત મુંબઈ સુધી કોસ્ટગાર્ડના પેટ્રોલીંગ જહાજો સતત દરિયામાં ફરીને પાકિસ્તાનથી નીકળેલી અલ હજ બોટને લોકેટ ક૨વા ફરી ૨હી હતી. તેવામાં અરબી સાગરમાં IMBL નજક અલ હજ દેખાઈ અને તેમાંથી 55 પેકેટ હેરોઇન સાથે બોટમાં સવાર 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાની ધરપકડ કરવામાં આવી હતી.તમામ આરોપીઓને ભુજની વિશેષ કોર્ટમાં 14 દિવસના રીમાન્ડની માંગ સાથે રજૂ કરાયા હતા.ભુજ કોર્ટે તમામ 9 પાકિસ્તાની ડ્રગેસ માફિયાના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બોર્ડર જડબેસલાક થતાં દરિયાની આડ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડ૨ પ૨ મોટાપાયે અફીણ ઉગાડવામાં આવે છે અને ભા૨તના માર્ગેથી ગેરકાયદેસર રીતે વિદેશ મોકલાઈ છે. તેમજ ભા૨તના મહાનગરોમાં ડ્રગ વેચાતા હોવાના અહેવાલ છે.જમ્મુ-કાશ્મીર અને પંજાબ સરહદે તણાવ અને સિક્યોરીટી વધતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ હવે ગુજરાતની જળસરહદે માદક પદાર્થોની તસ્કરી શરૂ કરી છે. ડ્રગ્સના નાણાંનો ઉપયોગ ટેરર ફંડીંગમાં થાય છે. પંજાબ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં મોટાપાયે ડ્રગ્સનો કારોબાર ચાલે છે.