ATS ડીવાયએસપી અને સુરત ક્રાઇમ બ્રાન્ચના ACP ને ખાસ કિસ્સામાં એસપી પદે બઢતી
- કે.કે.પટેલને કચ્છ મરીન ટાસ્ક ફોર્સની જવાબદારી
- બી.પી.રોજિયાને પોરબંદર મરીન ટાસ્ક ફોર્સની જવાબદારી
- રાજ્ય સરકારે બંનેની મહત્વના સ્થળે પસંદગી કરી સાગર સુરક્ષા મજબૂત બનાવી
રાજ્ય પોલીસ તંત્રના ગૌરવરૂપ અને કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ખૂંખાર આતંકવાદીઓ, દેશદ્રોહી તત્વો અને પાકિસ્તાની જાસૂસી સંસ્થાના એજન્ટો સહિત મહત્વની ફરજ નિભાવનાર ડીવાયએસપી લેવલના બે અધિકારીઓની કદર કરી રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં આઉટ ઓફ ટર્ન એસપી પદે બઢતી આપી સારા અધિકારીઓની કદર કરવામાં રાજ્ય સરકાર હમેશ તત્પર હોય છે તેવો સંદેશ આપેલ છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત એટીએસના ડીવાયએસપી કે.કે. પટેલને પોલીસ અધિક્ષક, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર, ગાંધીધામ, કચ્છની ખાલી જગ્યાએ તબદીલ કરાયા છે. જયારે કે સુરત ક્રાઈમબ્રાન્ચ ખાતે એસીપી તરીકે કાર્યરત મૂળ સૌરાષ્ટ્રના વતની બી.પી.રોજીયાને પોલીસ અધિક્ષક, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર, પોરબંદરની ખાલી જગ્યાએ મુકવામાં આવ્યા છે.
ઉકત બન્ને અધિકારીઓની નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી), વર્ગ-૧ સંવર્ગની સીનીયોરીટી કાયમ રહેશે એટલે કે તેઓને ઉપર મુજબ પોલીસ અધિક્ષક, વર્ગ-૧ સંવર્ગની નોન કેડર (એકસ કેડર) જગ્યા પર એક વખત બઢતી આપ્યા બાદ પણ મુજબ પોલીસ અધિક્ષક, વર્ગ-૧ સંવર્ગની નોન કેડર (એકસ કેડર) જગ્યા પર એક વખત બઢતી આપ્યા બાદ પણ મુળ સીનીયોરીટી યથાવત રહેશે. આ અધિસૂચનાનો અમલ તાત્કાલિક અસરથી કરી, સંબંધિત અધિકારીશ્રીઓને નવી જગ્યાએ હાજર થવા તાત્કાલિક અસરથી છુટા કરવાના રહેશે.