ગુજરાતમાં ભાજપ માટે વાતાવરણ સારૂ છે, ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દેશેઃ વિજય રૂપાણી
રાજકોટ, 06 એપ્રિલ 2024, ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપનાં ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પ્રચારમાં લાગી ગયા છે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. આજે મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપના સ્થાપના દિવસની ઉજવણીમાં તેઓ હાજર રહ્યાં હતાં.પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતા. રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વખતે પણ ભાજપ માટે વાતાવરણ સારૂ છે. ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો છે, મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાને માફી આપી દેશે. ઉપરાંત ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો હતો.
પુરુષોત્તમ રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે
આજે રાજકોટના મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપનો ઝંડો ફરકાવી તેમજ વરિષ્ઠ આગેવાનોનું સન્માન કરી ઉજવણી કરવામાં આવી હતી. વિજય રૂપાણીએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ હંમેશા ક્ષમા આપનારો સમાજ છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે, ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાને માફી આપી દેશે. તેમણે પરેશ ધાનાણીને લઈ ચાલી રહેલી અટકળો મામલે જણાવ્યું હતું કે, પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો તે પણ ભલે લાભ લઈ લે, પરંતુ શબ્દો યાદ રાખજો પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે.
તમામ 26 બેઠકો ઉપર ભાજપની જીત નિશ્ચિત
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પડકાર નથી. આઝાદી પછી પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે. તાજેતરમાં ત્રણ જેટલા સીટિંગ MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જેમાં બે કોંગ્રેસના MP અને એક આમ આદમી પાર્ટીના MP સામેલ છે. કોંગ્રેસ દ્વારા રાજકોટ બેઠકનાં ઉમેદવાર જાહેર ન થવા અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસને ઉમેદવાર નથી મળતા તો કાર્યકર્તા ક્યાંથી મળે? ત્યારે તમામ 26 બેઠકો ઉપર ભાજપની જીત નિશ્ચિત છે.
આ પણ વાંચોઃવીડિયોઃ જૌહરની જાહેરાત કરનાર મહિલાઓ નજરકેદ, કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહની અટકાયત