પાલનપુરના મૌલાના અબ્દુલ કલામ આઝાદ મેદાન બચાવવા માટે રમતવીરોનો વિરોધ
પાલનપુર શહેરના જનતાનગર સલીમપુરા વિસ્તારમાં ઐતિહાસિક મ્યુનિસિપલ મૌલાના અબ્દુલ કલામ આઝાદ મેદાન આવેલું છે. જ્યાં એક સમયે દેશના સ્વ. પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ વિશાળ જનમેદનીને સંબોધી હતી. આ એ ઐતિહાસિક મેદાન છે જ્યાં અનેક રમતવીરોએ રમીને રાજ્ય, દેશ અને વિદેશમાં પણ પાલનપુર શહેરનું નામ રોશન કર્યું છે. આ મેદાનમાં હવે પીએચસી સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. અને તે પણ મેદાનમાં વચ્ચે, જેને લઈને રમતવીરો મેદાનમાં આવ્યા છે. આ પીએચસી સેન્ટર સાઈડમાં બનાવવાના બદલે વચ્ચે બનાવવાના કારણે મેદાનનો કોઈ ઉપયોગ થઈ શકશે નહીં. અને એટલે જ રમત -ગમતના ખેલાડીઓ અને સલીમપુરા વિસ્તારના લોકોએ વિરોધ કર્યો છે જેને લઈ મેદાનને બચાવવા સંઘર્ષ શરૂ થયો છે.
આ મેદાન સામાન્ય પરિવારના ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ
પાલનપુર શહેરમાં ત્રણ મોટા મેદાનો આવેલા છે. જેમાં પાલનપુર જી. ડી. મોદી કોલેજ, પાલનપુર જ્યોર્જ ફિફ્થ કલબ અને પાલનપુર પોલીસ હેડ કવાટર્સ. આ ત્રણેય મેદાન નેશનલ ક્રિકેટ તેમજ અન્ય રમતના સાધનો સાથેનું મેદાન છે.પરંતુ આ મેદાનનો ઉપયોગ કરવા માટે ખર્ચ કરવો પડે છે. જ્યારે શહેરનું એક માત્ર મૌલાના અબ્દુલ કલામ મ્યુ. ગ્રાઉન્ડ જે ગરીબ અને મધ્યમ વર્ગના ખેલાડીઓ માટે વર્ષોથી આશીર્વાદ રૂપ બનતું આવ્યું છે.
મેદાન ઉપર ભૂમાફિયાનો ડોળો હતો
અગાઉ આ મ્યુ. ગ્રાઉન્ડની દેખરેખના અભાવે આ મેદાન પર કેટલાક દબાણો પણ થયા હતા અને ઘણા ભૂમાફિયાઓનો ડોળો પણ ફરી રહ્યો હતો. કેટલાક રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ પણ આ મેદાનની જમીન પર બાંધકામ કરવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ જાગૃત યુવાનો, સ્થાનિકો અને રમતવીરોના કારણે આજ સુધી આ મેદાન બચતું રહ્યું છે.
પીએચસી સેન્ટરના નિર્ણયથી વડીલોને આઘાત લાગ્યો
વહીવટી તંત્રના આદેશથી આરોગ્ય વિભાગ દ્વારા મેદાનની વચ્ચે પીએસસી સેન્ટરનું કામ શરૂ કરવામાં આવેલ છે. જેને લઇને સ્થાનિકો,રમતવીરો અને આ મેદાનમાં રમીને મોટા થયેલા વડીલોને પણ આઘાત લાગ્યો છે. લોકો રોષે ભરાયેલા છે. આ મેદાન ને બચાવવા પાલિકાના વિરોધ પક્ષના નેતા અંકિતા ઠાકોર, પાલનપુર નગરપાલિકાના કોંગ્રેસના નગરસેવકો, પૂર્વ જિલ્લા પ્રમુખો આ બાબતને લઈને પાલનપુર કલેકટરમાં તાત્કાલિક અસરથી મેદાનની વચ્ચે ચાલતું બાંધકામ અટકાવવામાં આવે અને મેદાનની વચ્ચે નહિ પરંતુ મેદાનની સાઈડમાં પીએચસી સેન્ટરનું કામ કરવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.