રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ બંધ કરાયેલું અટલ સરોવર ફરી ખુલ્લું મૂકાયું
રાજકોટ, 02 ઓગસ્ટ 2024, શહેરમાં અટલ સરોવર શરૂઆતથી જ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અટલ સરોવર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ મેયર સહિતના શાસકોએ કરેલા નિર્ણય મુજબ ફરી એકવાર અટલ સરોવર લોકોને ફરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બે મહિના કરતાં વધુ સમય બાદ અટલ સરોવર ખૂલતા લોકોમાં ઉત્સાહ છે.આગામી જન્માષ્ટમીના તહેવારોમાં લોકોની ભીડ ઊમટશે.
બાળકો માટે ચિલ્ડ્રન પાર્કની વ્યવસ્થાઓ ઉભી કરાઈ
અટલ સરોવરના મેનેજર નરસી વાળોતરાએ મીડિયાને જણાવ્યું હતું કે, લગભગ બે મહિના કરતાં વધુ સમય બાદ કોર્પોરેશન તંત્રની મંજૂરી બાદ અટલ સરોવર ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અગાઉ વેકેશનના સમય દરમિયાન અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હતા. પરંતુ શહેરમાં એક દુર્ઘટના બાદ બે મહિના માટે બંધ રાખવામાં આવ્યું હતું. આગામી સમયમાં જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે.નાનાં બાળકો ઇલેક્ટ્રિક સાઇકલની મજા માણી શકે તે માટે ઇવેગા બાઇસિકલ સહિત બાળકો માટે ચિલ્ડ્રન પાર્કની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
ચાલુ દિવસ હોવાથી લોકોની પાંખી હાજરી જોવા મળી
TRP અગ્નિકાંડ બાદ અમુક બાબતોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પરિસ્થિતિ સામાન્ય થતાં મનપાના શાસકો દ્વારા રાજકોટ શહેરના અટલ સરોવરને 1 ઓગસ્ટથી ફરીથી શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત પ્રથમ દિવસે પણ ઘણા લોકો અટલ સરોવરની મોજ માણવા પહોંચી ગયા હતા. ચાલુ દિવસ હોવાથી લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. પરંતુ શનિ-રવિ તેમજ જન્માષ્ટમીના તહેવારોમાં અહીં માનવ મહેરામણ ઊમટશે.
આ પણ વાંચોઃરાજકોટના લોકમેળામાં સ્ટોલ ધારકો માટે 44 નિયમો, સોગંદનામું કરવું ફરજિયાત