ગુજરાત

ઉમરગામના સોળસુંબા ગામે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરે અન્ય શ્રમિકને માથામાં પથ્થર મારી પતાવી દીધો

Text To Speech

વલસાડઃ ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે આવેલા ડ્રિમ હોમ રોહાઉસની કંસ્ટ્રક્શન સાઈડની બાજુમાં પડાવ ઉપર 15મેના રોજ ઝારખંડથી કેટલાક શ્રમિકો સાઇટ ઉપર મજૂરી કામ અર્થે આવ્યા હતા. જે બાદ 2 શ્રમિકો વચ્ચે જમવાની બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને એક શ્રમિકે મધ્ય રાત્રીએ બીજા શ્રમિક ઉપર પથ્થર વડે માથાના ભાગે ઘા મારીને શ્રમિકની હત્યા કરી હતી. ઉમરગામ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે

ઉમરગામના સોળસુંબા ભાઠી રોડ ઉપર ગ્રીન ફિલ્ડ ડ્રિમ રો-હાઉસની કંસ્ટ્રક્શન સાઈડ ઉપર મજૂરી કામ કરવા લેબર કોન્ટ્રાક્ટર પાસેથી ઝારખંડના શ્રમિકોને મજૂરી કામ કરવા લાવવામાં આવ્યા હતા. 15મેના રોજ ઝારખંડથી શ્રમિકો લાવવામાં આવ્યા હતા અને કંસ્ટ્રક્શનની સાઈટની બાજુમાં પડાવમાં શ્રમિકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે દરમિયાન બે શ્રમિકો વચ્ચે જમવાના મુદ્દે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. મજૂરોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. જે મારમારીની અદાવત રાખીને પડાવમાં બાજુમાં સુઈ રહેલા શ્રમિક અનિલ ડુંગડુંગ ઉપર પાસકલ અલ્ફોન્સ સિંદૂરીયાએ પથ્થર વડે માથાના ભાગે હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. બુમાબુમ થતા સાથી શ્રમિકો પણ ઉઠી ગયા હતા.

ઘટનાની જાણ લેબર કોન્ટ્રાક્ટરને થતા લેબર કોન્ટ્રાક્ટર ગણેશ ઘોડીએ તાત્કાલિક સ્થાનિક અગ્રણીઓ અને 108ની ટીમ અને ઉમરગામ પોલીસને ઘટનાની જાણ કરી હતી. 108ની ટીમની મદદ મેળવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત અનિલ ડુંગડુંગને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો ઇજાગ્રસ્ત શ્રમિક અનિલ ડુંગડુંગને થયેલી ગંભીર ઇજાઓને લીધે મોત નીપજ્યું હોવાનો ફરજ પરના તબીબે જણાવ્યું હતું.

લેબર કોન્ટ્રાક્ટર ગણેશ ઘોડીએ અનિલ ડુંગડુંગને પથ્થર મારી મોત નિપજાવનાર શ્રમિક પાસ્કલ સિંદૂરીયા વિરુદ્ધ ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે FIR નોંધી લાશનો કબ્જો મેળવી લાશનું PM કરવી આગળની તજવીજ હાથ ધરી છે. લેબર કોન્ટ્રાક્ટર સહિત ઘટના સ્થળે ઉપસ્થિત શ્રમિકોને નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હત્યાનો આરોપી પાસકલ અલ્ફોન્સ સિંદૂરીયાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button