વર્ષની શરુઆતમાં જ આટલા હજાર લોકોએ નોકરીમાંથી ધોયા હાથ : શું આ વર્ષે પણ છટણીનો સિલસિલો યથાવત્ રહેશે ?
ગયું વર્ષ નોકરિયાત વર્ગ માટે ઘણું ખરાબ રહ્યું છે, કારણ કે ગયા વર્ષે 2021 ની સરખામણી કરતાં 649% વધુ કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઘણી મોટી કંપનીઓએ તેમના કર્મચારીઓને કાઢી મૂક્યાં છે, તેમની છટણી કરી છે. જેમાં ટ્વિટર, એમેઝોન અને મેટા જેવી મોટી કંપનીઓના નામો પણ સામેલ છે. પરંતુ બીઝનેસ નિષ્ણાતોનું કહેવું છે કે આ વર્ષે પણ આ સિલસિલો યથાવત્ રહી શકે છે.
આ પણ વાંચો : કરદાતાઓને ભેટ ! નાણામંત્રી આવકવેરા મુક્તિ મર્યાદા વધારી શકે છે
જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ 30,611 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા
વર્ષ 2023 આર્થિક મંદીના ભય અને કોવિડ-19ના પુનરાગમનને કારણે વિશ્વભરમાં છટણીનો તબક્કો ફરી શરુ થઇ ગયો છે. નવા વર્ષના માત્ર 6 દિવસમાં જ ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે, આ સંખ્યા 2022ના ડિસેમ્બર મહિના કરતા પણ વધુ છે. સમગ્ર વિશ્વમાં 30 હજાર લોકોએ તેમની નોકરી ગુમાવી છે, જે ડિસેમ્બર મહિનાની સરખામણીમાં બમણી છે.
આ વર્ષે આવી રહેશે હાલત
હવે એવા સમાચાર મળી રહ્યાં છે કે વૈશ્વિક સ્તરે, વર્ષ 2023 માં, ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓની છટણી કરી શકે છે. કારણ કે ફેસબુકની માલિકીની કંપની મેટાએ પણ ગયા વર્ષે 11 હજારથી વધુ કર્મચારીઓને દૂર કરવાની જાહેરાત કરી છે, આ ઉપરાંક એમેઝોન પણ પોતાના 18,000 કર્મચારીઓની છટણી કરે તેવી શક્યતા છે. લેઓફ ટ્રેકરના ડેટા મુજબ, જાન્યુઆરીના પ્રથમ 6 દિવસમાં 30 કંપનીઓમાંથી કુલ 30,611 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ યાદીમાં વિડિયો હોસ્ટિંગ પ્લેટફોર્મ Vimeo, ટેક જાયન્ટSalesforce, ક્રિપ્ટો એક્સચેન્જ હુઓબી અને અન્ય ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે.
વર્ષ 2022 માં 97,000 થી વધુ લોકોએ છોડવી પડી નોકરી
વર્ષ 2022માં ઘણી કંપનીઓએ કરી મોટા પ્રમાણમાં તેમના કર્મચારીઓની છટણી કરી હતી, જેમાં Meta Platforms Inc., Amazon.com, Twitter Inc. અને Snap Inc. સહિતની કંપનીઓએ સમાવેશ થાય છે. કુલ મળીને, આ કંપનીઓએ 2022 માં 97,000 થી વધુ નોકરીઓમાં કાપ મૂક્યો છે, જે 2021 ની તુલનામાં 649% વધુ છે, અને જો આ ચાલુ રહે છે, તો 2023માં આ આંકડો 2022 કરતા વધુ હોઈ શકે છે.
2023માં આ કંપનીઓ કરી શકે છે છટણી
વર્ષ 2023ની વાત કરવામાં આવે તો આ વર્ષે ટેક જાયન્ટ્સ માઈક્રોસોફ્ટ અને ગૂગલ-પેરેન્ટ આલ્ફાબેટે પણ છટણી સહિતના ખર્ચ ઘટાડવાના પગલાં સૂચવ્યા છે. એમેઝોન 18 હજાર કર્મચારીઓ સહિત 1000 ભારતીય કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. બીજી તરફ, Google પોતાના 10 હજાર કર્મચારીઓ, Xiaomi 15% કર્મચારીઓ પર કાપ મૂકી શકે છે. આ ઉપરાંત જો ભારતની વાત કરવામાં આવે તો તેમાં Pluralsight તેના 400 કર્મચારીઓને અને HP સહિત ઘણી કંપનીઓ આવનારા સમયમાં લોકોને નોકરીમાંથી કાઢી શકે છે. જોકે કેટલીક કંપનીઓએ છટણી અંગે સત્તાવાર આંકડા આપ્યા નથી.