નેશનલ

સાંગલી ખાતે પાલઘર જેવી ઘટના: બાળક ચોર હોવાની શંકા રાખી 4 સાધુઓને માર માર્યો

Text To Speech

મહારાષ્ટ્રના સાંગલી ખાતે પાલઘર જેવી જ એક ઘટના સામે આવી છે. સાંગલી ખાતે 4 સાધુઓ પર લોક ટોળાએ બાળક ચોરનારા હોવાની શંકા રાખીને હુમલો કરી દીધો હતો. જે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે તેમ છતાં સાધુઓએ આ મામલે કોઈ ફરિયાદ દાખલ નથી કરાવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં મથુરાના રહેવાસી 4 સાધુઓ કાર દ્વારા કર્ણાટકના બીજાપુરથી પંઢરપુર મંદિર તરફ જઈ રહ્યા હતા અને સોમવારના રોજ તેઓ એક મંદિરમાં રોકાયા હતા. ત્યાર બાદ મંગળવારે આગળની યાત્રા શરૂ કરતી વખતે તેમણે એક છોકરાને રસ્તો પુછ્યો હતો. જે જોઈને ત્યાંના લોકોને બાળકોની ચોરી કરવા આવ્યા હોવાની શંકા ગઈ હતી. જે બાદ કઈ પણ જાણ્યા વગર લોક ટોળા સાધુઓ પર તુટી પડ્યા હતા.

ગાડીમાંથી ઉતારીને લાકડી વડે માર માર્યો

સાંગલીના લવંગા ગામ ખાતે બનેલી આ ઘટનાની વિગતો પ્રમાણે સાધુઓએ એક છોકરાને રસ્તો પુછ્યો એટલે કેટલાક લોકોને તે બાળકોનું અપહરણ કરતી ટોળકીના સદસ્યો હોવાની શંકા જાગી હતી. આ કારણે ગ્રામીણોએ સાધુઓને ગાડીમાંથી ઉતારવા સુચન કર્યુ. જે બાદ સાધુઓ ગાડીમાંથી નીચે ઉતર્યાને તરત જ લોક ટોળાએ લાકડી વડે માર મારવાનું શરૂ કર્યું હતું. અને ચારેય સાધુઓને મારી મારીને અધમુવા કરી દીધા હતા. તે બાદ પોલિસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.

અખાડાના સદસ્ય હોવાનું સામે આવ્યું
પોલીસ પુછપરછમાં તે સાધુઓ એક અખાડાના સદસ્ય હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સ્થાનિક લોકોએ ભાષા અલગ હોવાના કારણે એકબીજાની વાત સમજી ન શક્યા હોવાથી સ્થિતિ વણસી હોવાનો ખુલાસો કર્યો હતો.

શું હતી પાલઘરની ઘટના

આ અગાઉ પણ 16 એપ્રિલ 2020ના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આ પ્રકારની જ એક ઘટના બની હતી. ટોળાએ બાળકોની ચોરી કરનારા હોવાની શંકા રાખીને 2 સાધુઓ સહિત 3 લોકોની સાથે મારપીટ કરી હતી. ઝનૂની બનેલા ટોળાએ 70 વર્ષીય સાધુ કલ્પવૃક્ષ ગિરી અને 35 વર્ષીય સાધુ સુશીલ ગિરી ઉપરાંત તેમના ડ્રાઈવર નીલેશ તેલગાડેની હત્યા કરી નાખી હતી. તે કેસમાં પોલીસે 250 લોકોની ધરપકડ કરી હતી.

Back to top button